ગંભીર આરોપ:મની લોન્ડરિંગના કાવતરામાં દેશમુખ માસ્ટરમાઈન્ડઃ EDએ હાઈ કોર્ટને કહ્યું

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસોની ટ્રાન્સફરમાં ગોટાળો અને 100 કરોડની વસૂલીમાં પણ ગંભીર આરોપ

મની લોન્ડરિંગના કાવતરામાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ માસ્ટરમાઈન્ડ અને મુખ્ય ભેજું છે અને તેમણે સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કરીને અઢળક સંપત્તિ ભેગી કરી છે, એવો ગંભીર આરોપ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ગુરુવારે હાઈ કોર્ટમાં કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓની તરફેણકારી ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં દેશમુખનો કઈ રીતે પ્રભાવ હતો તેની વિગતો પણ ઈડીએ આપી છે.દેશમુખે ઈડીના કેસમાં જામીન અરજી કરી હતી, જેના જવાબમાં ઈડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તસીન સુલતાન દ્વારા દાખલ એફિડેવિટમાં આ આરોપ કરીને જામીન અરજીનો વિરોધ કર્યો છે.

દેશમુખે પોતાના પુત્ર હૃષીકેશ, બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝે, દેશમુખના સહાયકો સંજીવ પાલાંડે અને કુંદન શિંદે સાથે મળીને આખું કાવતરું ઘડ્યું હતું. દેશમુખ આમાં મુખ્ય કાવતરાખોર છે અને બાર અને રસ્ટોરાંના માલિકો પાસેથી પૈસા વસૂલીના આખા કાવતરા પાછળનું મુખ્ય ભેજું છે, એમ એફિડેવિટમાં જણાવાયું છે. દેશમુખે પોતાની જાહેર સેવા દરમિયાન અઢળક સંપત્તિ ભેગી કરી છે અને આ સંપત્તિનો સ્રોત હજુ જણાવ્યો નથી. તેઓ સહકાર આપતા નથી, આવકનો સ્રોત જણાવતા નથી અને વાસ્તવિકતા છુપાવી રહ્યા છે.

દેશમુખે કબૂલ કર્યું છે કે પોલીસ અધિકારીઓને ક્યાં ટ્રાન્સફર કરવાના છે તેની બિન- સત્તાવાર યાદી સંબંધિતોને મોકલતા હતા, જેનો કોઈ રેકોર્ડ રખાતો નહોતો. તપાસ હજુ આરંભિક તબક્કામાં છે અને તેથી જામીન આપતાં તેમાં અવરોધ પેદા થઈ શકે છે. દેશમુખની નવેમ્બર 2021માં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.વિશેષ કોર્ટે અરજી નકાર્યા પછી દેશમુખે હાઈ કોર્ટમાં આરોગ્યનું કારણ આપીને અને ઈડીનો કેસ બોગસ અને પાયાવિહોણો છે એવું કહીને જામીન માગ્યા છે. જસ્ટિસ અનુજા પ્રભુદેસાઈની સિંગલ બેન્ચ શુક્રવારે તેની પર સુનાવણી કરશે.​​​​​​​

એક કેબિનેટ મંત્રીની પણ સંડોવણી : ઈડીએ એફિડેવિટમાં જણાવ્યું છે કે દેશમુખ અને અન્યો ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં અયોગ્ય પ્રભાવ અજમાવતા હતા. એક કેબિનેટ મંત્રી સાથે સલાહમસલત કરીને ટ્રાન્સફર અને પોસ્ટિંગના હેતુથી પોલીસ અધિકારીઓનાં નામની યાદી બનાવવામાં આવી હતી, જે બિન- સત્તાવાર રીતે ગૃહખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી અને પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડના પ્રમુખને મોકલવામાં આવતી હતી.

મની લોન્ડરિંગ થકી વેપારી સામ્રાજ્ય : 2011થી દેશમુખ દ્વારા દાનને નામે બિનહિસાબી રોકડ ટ્રસ્ટમાં જમા કરાતી હતી. પરિવારના સભ્યો સાથે તેમણે કુલ રૂ. 13.25 કરોડ જમા કર્યા હોવાનું બહાર આવ્યું છે. શેલ કંપનીઓ થકી શેરમૂડી તરીકે રોકડ જમા કરીને અને તે કાયદેસર છે એવું બતાવીને દેશમુખે વેપારનું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે, એવો ગંભીર આરોપ પણ ઈડી દ્વારા કરાયો છે. નોંધનીય છે કે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે આરોપ કર્યા પછી દેશમુખ મુશ્કેલીમાં આવી ગયા છે.

બોર્ડના સભ્યોના વિરોધ છતાં
આ મિટિંગોનો કોઈ રેકોર્ડ રખાતો નથી અને આવી યાદી માટે કોઈ માર્ગદર્શિકા પણ નથી. પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડના સભ્યોનો વિરોધ હોવા છતાં તેમણે સંમતિ આપવી પડતી અને મિટિંગની ભલામણો પર સહી કરવી પડતી હતી, જે પછી ગૃહમંત્રી અને મુખ્ય મંત્રી પાસે જતું હતું. તત્કાલીન એડિશનલ ચીફ સેક્રેટરી સીતારામ કુંટેએ આવી બિન- સત્તાવાર યાદી તેમને અપાઈ હતી એમ નિવેદનમાં કબૂલ કર્યું છે. દેશમુખે ગંભીર અને ઘોર પ્રકારનો આર્થિક ગુનો કર્યો છે. સચિન વાઝેને દેશમુખે તેમના નિવાસસ્થાન જ્ઞાનેશ્વરી ખાતે અનેક વાર બોલાવ્યા હતા અને રેસ્ટોરાં તથા બારવાળા પાસેથી મહિને રૂ. 100 કરોડ વસૂલ કરવામાં સહાય કરવા વારંવાર સૂચના આપી હતી, એમ પણ ઈડીએ જણાવ્યું છે.

જુનિયરોને વસૂલીની સૂચના
દેશમુખ જુનિયર પોલીસ અધિકારીઓને તેમના સત્તાવાર નિવાસસ્થાને બોલાવતા અને વિધિસર કામો, વસૂલી યોજનાઓ, નાણાકીય લેણદેણ માટે સૂચનાઓ આપતા હતા. વાઝેએ બારવાળા પાસેથી રૂ. 4.70 કરોડ વસૂલ કરીને કુંદન શિંદેને આપ્યા હતા. આ નાણાં હવાલા થકી મોકલાયાં અને પછી દેશમુખ પરિવારના નાગપુર સ્થિત ટ્રસ્ટ શ્રી સાઈ શિક્ષણ સંસ્થામાં વાળવામાં આવ્યાં હતાં. આમ, બિનહિસાબી રોકડનું લોન્ડરિંગ કરાતું હતું, એમ ઈડીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...