તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:કોવિડનું કારણ આપીને દેશમુખે ફરી ઈડી સમક્ષ હાજર થવાનું ટાળ્યું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈડીને ઓડિયો અથવા વિડિયો ફોર્મેટમાં નિવેદન નોંધવા કહ્યું

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ મંગળવારે ફરી એક વાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થયા નહોતા. તેમણે એક પત્ર લખીને પોતાની ઉંમર અને કોવિડ -19ના જોખમનો હવાલો આપી હાજર રહેવામાંથી મુક્તિની માગણી કરી હતી. જોકે પત્ર લખ્યા પછી થોડી વારમાં વકીલ તેમના વતી ઇડી ઓફિસે પહોંચ્યા હતા. ત્રણ પાનાંના પત્રમાં દેશમુખે તેમની સામે નોંધાયેલી ઈસીઆઈઆરની નકલની માગણી પણ કરી છે. મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે દેશમુખ ઉપર બાવાળાઓ પાસે મહિને રૂ. 100 કરોડની વસૂલી કરવા અધિકારીઓને કહ્યું હતું એવો આરોપ કર્યો હતો, જેને પગલે ઇડી મની લોન્ડરિંગનો કેસ નોંધીને આ મામલાની તપાસ કરી રહી છે.

ઇડીએ આ પહેલા દેશમુખને 25 જૂન અને ત્યાર બાદ 29 જૂને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા.ઈડીએ અત્યાર સુધીમાં દેશમુખનાં અનેક સ્થળો પર બે વાર દરોડા પાડ્યા છે. ઇડીએ શુક્રવારે મોડી રાત્રે દેશમુખના પી.એ. સંજીવ પાલાંડે અને પી.એસ. કુંદન શિંદેની ધરપકડ કરી હતી, જે બંને હાલમાં ઈડીની કસ્ટડીમાં છે. તેમની પર આરોપ છે કે તેઓ પૈસાની લેણદેણમાં દેશમુખની મદદ કરતા હતા. ઈડીએ શનિવારે દેશમુખને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ દેશમુખે હાજર થવા માટે નવી તારીખ માગી હતી.

દેશમુખે પત્રમાં શું જણાવ્યું છે ? : મેં 25 જૂને તમારા દ્વારા મોકલેલા સમન્સનું સંપૂર્ણ પાલન કર્યું છે અને તમારા પહેલાં બધા જરૂરી દસ્તાવેજો સાથે એક અધિકૃત વ્યક્તિ (વકીલ) મોકલ્યો છે. છતાં મારી ઇડી સમક્ષ હાજરી વિશે મિડિયામાં ગેરસમજો ઊભી થઈ રહી છે. હું એક લોકપ્રિય નેતા રહ્યો છું અને મારું આખું જીવન જાહેર સેવામાં વિતાવ્યું છે. મેં અગાઉ પણ કહ્યું છે કે મારી સામેના તમામ આરોપો એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા છે, જે પોતે પહેલેથી જ ગંભીર આરોપોમાં ફસાયેલા છે અને જેમની પર કેન્દ્ર સરકારના ઇશારે કાર્યવાહી કરવાનો આરોપ લાગેલો છે.

હું પોતે પણ આ આરોપ પાછળના જૂઠાણાને ખુલ્લા પાડવા માગું છું. યોગ્ય દસ્તાવેજો વિના હું તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે સમર્થ નથી. આથી ઈસીઆઈઆરની એક નકલ મને પ્રદાન કરવામાં આવે, 72 વર્ષના હોવા છતાં અને ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હોવા છતાં તમે 25મી જૂને મને બોલાવ્યા હતા અને ઘણા અધિકારીઓએ સામાજિક અંતર પાળ્યા વિના કલાકો સુધી મારી પૂછપરછ કરી હતી. ઉંમર અને આરોગ્યને કારણે મને કોવિડ-નો ચેપ લાગવાનું ઉચ્ચ જોખમ છે.

દેશમુખે ઈડીને શું વિનંતી કરી
દેશમુખે પત્રમાં વિનંતી કરી છે કે, મારું નિવેદન ઓડિયો અથવા વિડિયો ફોર્મેટમાં નોંધ કરો. તમારા સમન્સમાં તે સ્પષ્ટ નથી થતું કે તમે મને કેમ બોલાવી રહ્યા છો. મને મિડિયા દ્વારા ખબર પડી કે તમે મારા સાથે સંબંધિત બે જણની ધરપકડ કરી છે. રાગદ્વેષથી કરાઇ રહેલી કાર્યવાહીનો હું ભાગ હોઈ શકું છું. મને ખાતરી છે કે તમે કાયદાની ચાર દીવાલોની અંદર કામ કરશો અને મારા બોલવાના અધિકારથી મને વંચિત નહીં કરશો.

શું છે કેસ?
આ કેસ દેશમુખ સામે વસૂલીના આક્ષેપો સાથે સંબંધિત છે. પરમવીર સિંહે લગભગ અઢી મહિના પહેલાં રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં આક્ષેપ કર્યો હતો કે દેશમુખે દર મહિને રૂ. 100 કરોડની વસૂલાતનું લક્ષ્યાંક બરતરફ એપીઆઈ સચિન વાઝે અને સમાજસેવા શાખાના એસીપી સંજય પાટીલને આપ્યું હતું. એ પછી ઇડીની ટીમે લગભગ 10 થી 12 હોટેલ અને બાર માલિકોનાં નિવેદનો નોંધ્યાં છે. આ પછી તલોજા જેલમાં જઈને વાઝેનું નિવેદન પણ નોંધ્યું છે, જે પછી દેશમુખ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...