વિઘ્નહર્તાની વિદાય:ગણપતિ વિસર્જન માટે 25 હજાર કર્મચારીઓ તૈનાત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ વિસર્જન સ્થળોએ પોલીસનો ભારે બંદોબસ્ત

ભક્તોના ઘરે દસ દિવસ મહેમાનગતિ માણીને ગણપતિ બાપ્પા આજે રવિવારે પોતાના ગામ જશે. બાપ્પાને વિદાય આપવા માટે મુંબઈ મહાપાલિકા સજ્જ થઈ છે. નિર્માલ્ય કળશ, ફ્લડ લાઈટ, લાઈફગાર્ડ, નિયંત્રણ કક્ષ જેવી વિવિધ સગવડ અને સુવિધાઓ કરવામાં આવી છે. તમામ ચોવીસ વોર્ડમાં લગભગ 25,000 કામદાર, કર્મચારીઓ, અધિકારીઓ મુંબઈગરાઓની સેવામાં વિવિધ વિસર્જન સ્થળે ઉપસ્થિત રહેશે. કોરોનાની પાર્શ્વભૂમિ પર સૂચનાઓનું ચુસ્તતાથી પાલન કરવાની હાકલ મહાપાલિકાએ કરી છે.

ઘરગથ્થુ ગણપતિની શાડુની મૂર્તિ અથવા પર્યાવરણપૂરક મૂર્તિ હોય તો એનું વિસર્જન શક્યતઃ ઘરે બાલદીમાં અથવા એ શક્ય ન હોય તો નજીકના કૃત્રિમ તળાવમાં કરવું. સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ નજીકના કૃત્રિમ સ્થળે વિસર્જન સ્થળે મૂર્તિનું વિસર્જન કરવાને અગ્રતા આપવી. ઘરગથ્થુ ગણપતિના વિસર્જન માટે ચાલી, ઈમારતોના તમામ ઘરગથ્થુ ગણપતિની મૂર્તિઓ એક સાથે ન કાઢવી. વિસર્જન સ્થળે કરવામાં આવતી આરતી ઘરે જ કરવી અને વિસર્જનના સ્થળે ઓછામાં ઓછો સમય થોભવું. શક્ય હોય તો નાના બાળકો અને વરિષ્ઠ નાગરિકોએ સુરક્ષાની દષ્ટિએ વિસર્જન સ્થળે જવું નહીં. સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ હાર, ફૂલનો ઓછો ઉપયોગ કરીને કચરો ઓછો થાય એનું ધ્યાન રાખવું એવી હાકલ કરવામાં આવી છે.

ઘરગથ્થુ વિસર્જનના સમયે સરઘસના સ્વરૂપે જવું નહીં. વિસર્જન માટે વધુમાં વધુ 5 વ્યક્તિઓ જ હોવા જોઈએ. આ વ્યક્તિઓએ રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ અને બીજો ડોઝ લીધાને 15 દિવસ થઈ ગયા હોવા જોઈએ. સાર્વજનિક ગણપતિની મૂર્તિના વિસર્જન માટે 10 કરતા વધુ લોકો ન હોવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...