રોગચાળો:મહારાષ્ટ્રમાં ડેંગ્યૂનો ફેલાવો મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે : પ્રશાસન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીસ દિવસમાં ડેંગ્યૂના દર્દીઓની સંખ્યા બમણી, વાતાવરણ જવાબદાર

રાજ્યમાં કોરોનાના સંક્રમણનો ફેલાવો ઓછો થયો છે છતાં ડેંગ્યૂનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. છેલ્લા વીસ દિવસમાં જ ડેંગ્યૂના દર્દીઓની સંખ્યા લગભગ બમણાથી વધારે નોંધાઈ છે. કુલ દર્દીઓનો આંકડો સાડા પાંચ હજારને વટાવી ગયો છે. જોકે મૃતકોનું પ્રમાણ સરખામણીએ ઓછું છે.

દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ડેંગ્યૂનો ફેલાવો વધે છે. વરસાદને કારણે ભરાયેલા પાણીમાં મચ્છરની ઉત્પતિ થવામાં પોષક વાતાવરણ નિર્માણ થતું હોવાથી ડેંગ્યૂનો ફેલાવો વધે છે. ગયા વર્ષે કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધારે હતું અને ડેંગ્યૂનું પ્રમાણ સરખામણીએ ઓછું હતું. પણ આ વર્ષે કોરોના સહિત ડેંગ્યૂનો ફેલાવો વધી રહ્યો છે. 16 ઓગસ્ટના આંકડાઓ અનુસાર રાજ્યમાં ડેંગ્યૂના દર્દીઓની સંખ્યા 2554 હતી. એ પછીના પાંચ દિવસમાં જ એટલે કે 21 ઓગસ્ટના આ સંખ્યા 4997 થઈ. સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છતાં ડેગ્યૂનો ફેલાવો વધી જ રહ્યો છે. 7 સપ્ટેમ્બરના ડેંગ્યૂના દર્દીઓની સંખ્યા 5746 થઈ છે. ગયા આખા વર્ષમાં 3365 ડેંગ્યૂના દર્દીઓ મળ્યા હતા અને 10 જણના મૃત્યુ થયા હતા. આ વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતમાં જ દર્દીઓની સંખ્યા સાડા પાંચ હજારને વટાવી ગઈ છે.

અત્યાર સુધી રાજ્યમાં ડેંગ્યૂના લીધે રાજ્યમાં 11 જણના મૃત્યુ થયા છે. નાગપુરમાં મહાપાલિકા અને ગ્રામીણ ક્ષેત્રમાં 6, વર્ધા, ચંદ્રપુર, થાણે, ભંડારા, નગર ખાતે દરેક ઠેકાણે એક જણનું મૃત્યુ થયું છે. ગ્રામીણ ભાગોની સરખામણીએ મહાપાલિકા ક્ષેત્રોમાં ફેલાવો વધુ છે. ઘેરઘેર સર્વેક્ષણ માટે મોટી મહાપાલિકાઓને 50 અને ગ્રામીણ તથા નાની નગરપાલિકાઓમાં 25 સ્વયંસેવકોની નિયુક્તી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

ચિકનગુનિયાનો ફેલાવો
રાજ્યમાં ચિકનગુનિયાના સંક્રમણનું પ્રમાણ પણ વધ્યું છે. છેલ્લા વીસ દિવસમાં દર્દીઓની સંખ્યા 938 પરથી 1442 થઈ છે. ગયા વર્ષે રાજ્યમાં ચિકનગુનિયાના 782 દર્દીઓ મળ્યા હતા. પુણે, નાશિક શહેર અને ગ્રામીણ, સાતારા, પિંપરી-ચિંચવડ મહાપાલિકા અને કોલ્હાપુરમાં ચિકનગુનિયાનો ફેલાવો વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...