છેલ્લા થોડા દિવસથી મુંબઈ સહિત રાજ્યના કોરોનાગ્રસ્તોની સંખ્યામાં ફરીથી વધારો થઈ રહ્યો હોવાનું દેખાય છે. એમાં કેટલાક જણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એની અસરરૂપે રાજ્યમાં ઓક્સિજનની માગ વધી છે. રાજ્યમાં અત્યારે દરરોજ 424 મેટ્રિક ટન ઓક્સિજનની માગ છે જે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી દૈનિક 270 થી 300 મેટ્રિક ટન હતી. ઓક્સિજનની માગ વધી છે છતાં રાજ્યમાં પૂરતો પુરવઠો હોવાનું અન્ન અને ઔષધ પ્રશાસને જણાવ્યું છે. તેથી ઓક્સિજનની અછત વર્તાશે નહીં એવો દાવો પ્રશાસને કર્યો છે.
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ઓક્સિજનની માગ મોટા પ્રમાણમાં વધી હતી. પહેલી લહેરમાં દિવસે 850 મેટ્રિક ટન માગ હતી. કોરોનાગ્રસ્તોની સારવાર માટે બીજા રાજ્યોમાંથી ઓક્સિજન મગાવવો પડ્યો હતો. કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનનું ઉત્પાદન કરતા પ્લાન્ટ પણ ઊભા કરવામાં આવ્યા હતા. તેથી રાજ્યમાં પૂરતો ઓક્સિજન સ્ટોક ઉપલબ્ધ છે એવો દાવો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનાની લહેર ફરીથી આવશે એવું ચિત્ર છે ત્યારે બીજી તરફ ઓક્સિજનની માગ વધશે એમ લાગે છે. પ્રશાસને એ દષ્ટિએ તૈયારી શરૂ કરી છે. રાજ્યમાં અત્યારે દૈનિક 424 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડી રહી છે. કોરોનાગ્રસ્તો પર સારવાર સિવાય પણ બીજા દર્દીઓ માટે લગભગ ઓછામાં ઓછા 200 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડે છે.
ઓમિક્રોન વેરિયેન્ટનું સંક્રમણ થયેલા દર્દીઓમાંથી ઓછા જણને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. જોકે વધતા કોરોનાગ્રસ્તોની પાર્શ્વભૂમિ પર હોસ્પિટલમાં દાખલ થનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેથી ઓક્સિજનની માગ વધી હોવાનું એફડીએના અધિકારીઓએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.