ભાસ્કર વિશેષ:મુંબઈમાં ડેલ્ટા વાઈરસ હજુ મોજૂદ છેઃ જિનોમ લેબનું તારણ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રશાસન દ્વારા કોવિડ પ્રતિબંધાત્મક ઉપાયયોજનાઓનું ચુસ્ત પાલન કરવા નાગરિકોને અનુરોધ

મુંબઈમાં કોરોનાની બીજી લહેરમાં કોવિડનો ઉપ પ્રકાર ડેલ્ટા અને ડેલ્ટા પ્લસના ઘણા બધા કેસ મળી આવ્યા હતા. જોકે હવે જિનોમ સિક્વન્સિંગ લેબના પરીક્ષણમાં ડેલ્ટા પ્લસના કેસ મળ્યા નથી, પરંતુ ડેલ્ટા ઉપ પ્રકારનું હજુ પણ અસ્તિત્વ છે એવું તારણ નીકળ્યું છે.કોવિડ-19 વાઈરસનું નેક્સ્ટ જનરેશન જિનોમ સિક્વન્સિંગ (જનુકીય સૂત્રનું નિર્ધારણ) કરનારી તબીબી યંત્રણા મહાપાલિકાની કસ્તુરબા હોસ્પિટલમાં શરૂ થઈ ચૂકી છે. આ અત્યાધુનિક યંત્રને આધારે કોવિડના વાઈરસમાં વિવિધ ઉપ પ્રકારની ઓળખ કરવાનું શક્ય બન્યું છે.

આથી કોવિડ ઉપચાર પદ્ધતિ અને પ્રતિબંધાત્મક ઉપાયયોજના વગેરે બાબતે વધુ પ્રભાવશાળી વ્યવસ્થાપન કરવામાં મદદ મળે છે. મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલના માર્ગદર્શનમાં કરાયેલા વિશ્લેષણના બીજા તબક્કાનાં પરિણામો સુખદ આવ્યાં છે. 374 નમૂનાનું પરીક્ષણ કરાયું હોઈ તેમાંથી 304 નમૂના ડેલ્ટા ઉપ પ્રકારના કોવિડ વાઈરસથી બાધિત હોવાનું સ્પષ્ટ થયું છે, જ્યારે અન્ય નમૂનામાં નાઈન્ટીન-એ ઉપ પ્રકારના 2 અને 20-એ પ્રકારના 4 નમૂના અને બાકી 66 નમૂના સર્વસાધારણ કોવિડ વાઈરસના છે.

ખાસ કરીને પ્રથમ અને બીજા તબક્કાના નમૂનામાં અત્યંત ઝડપથી લાગુ થતા ડેલ્ટા પ્લસ ઉપ પ્રકારનો એકેય નમૂનો મળી આવ્યો નથી, એમ પશ્ચિમ ઉપનગરના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.નેક્સ્ટ જનરેશન જિનોમ સિક્વન્સિંગ લેબમાં પ્રથમ તબક્કામાં પરીક્ષણનાં તારણો ગયા મહિને જાહેર કરાયાં હતાં, જેમાં કોવિડગ્રસ્ત 188 દર્દીના તબીબી નમૂના તપાસવામાં આવ્યા હતા. તેમાં 128 દર્દી ડેલ્ટા ઉપ પ્રકારના કોવિડ વાઈરસથી બાધિત હોવાનું સ્પષ્ટ થયું હતું, જ્યારે અન્ય દર્દી સર્વસાધારણ કોવિડ વાઈસથી બાધિત હતા.

પ્રથમ તબક્કાની આંકડાવારી બાબતે વિશ્લેષણાત્મક નિષ્કર્ષ અનુસાર ડેલ્ટા બાધિત 128 નમૂનામાંથી 93 નમૂના મુંબઈના દર્દીના હતા. 93માંથી 45 પુરુષ અને 48 સ્ત્રી હતી. આમાંથી 58 ટકાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં, જ્યારે 42 ટકાને કોઈ લક્ષણો જણાયાં નહોતાં. 47 દર્દીઓ રસી લીધી હતી, જેમાંથી 20એ પ્રથમ ડોઝ અને 27એ બીજો ડોઝ લીધો હતો. બાકી 46 દર્દીએ રસી લીધી નહોતી. બંને ડોઝ લેનારા ફક્ત 4 દર્દીનો ઓક્સિજનની જરૂર પડી હતી.

નિકટવર્તીઓની પણ તપાસ કરાઈ
મુંબઈના 93 દર્દીના નજીકના સંપર્કમાં આવેલા 1194 જણની પણ કોવિડની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી ફક્ત 80 જણને કોવિડની બાધા થયાનું જણાયું હતું, જ્યારે 1114 જણ અબાધિત હતા. નોંધનીય છે કે કસ્તુરબામાં 4 ઓગસ્ટથી આ લેબ શરૂ કરાઈ, જ્યાં બે યંત્ર છે. અમેરિકાની ઈલુમ્નિયા કંપનીએ અમેરિકાની જ અલ્બ્રાઈટ સ્ટોનબ્રિજ ગ્રુપ (એએસજી- બોસ્ટન) સંસ્થાના માધ્યમથી રૂ. 6.40 કરોડનાં 2 જિનોમ સિક્વન્સિંગ યંચ્ર મહાપાલિકાને દાન આપ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...