તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Deaths From Mucomycosis Increased By 83%, With 7395 Patients And 644 Deaths Reported In The State.

હાહાકાર:મ્યુકરમાઈકોસિસથી થતા મૃત્યુ 83% વધ્યા, રાજ્યમાં 7395 દર્દીઓ અને 644 જણના મૃત્યુની નોંધ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રાજ્યમાં કોરોનાની લહેરમાં ઓટ આવી છે છતાં મ્યુકરમાઈકોસિસનો ફેલાવો વધી રહ્યો છે. છેલ્લા એકાદ મહિનામાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા લગભગ 80 ટકા વધી છે અને મૃતકોની સંખ્યામાં પણ લગભગ 83 ટકાનો વધારો થયો છે. સૌથી વધારે દર્દીઓ નાગપુર, પુણે, ઔરંગાબાદ અને મુંબઈમાં છે. મે મહિનાના પહેલા અઠવાડિયાથી મ્યુકરમાઈકોસિસના દર્દીઓની નોંધ કરવાની શરૂઆત થઈ. મેના પ્રથમ પખવાડિયામાં 1487 દર્દીઓ અને મૃતકોની સંખ્યા 107 હતી. પણ જૂન મધ્ય સુધી દર્દીઓનો ગ્રાફ સાત ગણો વધ્યો છે.

અત્યારે રાજ્યમાં 7395 દર્દીઓ છે અને 644 જણના મૃત્યુ થયા છે. રાજ્યમાં મૃત્યુદર લગભગ 9 ટકા છે.રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ દર્દીઓ પુણે (1215) અને નાગપુર (1184)માં છે. કુલ દર્દીઓમાંથી લગભગ 32 ટકા આ બે જિલ્લાઓમાં છે. નાગપુરમાં એક મહિનામાં દર્દીઓની સંખ્યા પાંચ ગણી વધી છે અને મૃતકોની સંખ્યા 7 પરથી 101 પર પહોંચી છે. પુણેમાં પણ આ જ સ્થિતિ છે. પુણેમાં મહિનામાં દર્દીઓની સંખ્યા ચાર ગણી વધી છે અને મૃતકોની સંખ્યા 20 થી વધીને 85 થઈ છે.

મફત ઈંજેક્શનના ઠેકાણે દર્દીઓનો ધસારો : એમ્ફોટેરેસિન બી ઈંજેક્શનની અછત અને વધારે કિંમતના કારણે જે ઠેકાણે આ ઈંજેક્શન મફત ઉપલબ્ધ છે એવા ઠેકાણે દર્દીઓનો સારવાર માટે ધસારો થઈ રહ્યો છે. આ જિલ્લાઓમાં દર્દીઓની સંખ્યા કરતા નજીકના જિલ્લાઓમાંથી સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા વધારે છે. તેથી ત્યાં દર્દીઓની સંખ્યા વધેલી દેખાય છે એમ કૃતિદળના સભ્ય અને ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડો. અશેષ ભૂમકરે જણાવ્યું હતું.

બેત્રણ અઠવાડિયામાં દર્દીઓ ઓછા થવાની શક્યતા : કોરોનાગ્રસ્તોમાં શુગરનું પ્રમાણ નિયંત્રણમાં ન હોય એવા દર્દીઓમાં ત્રણથી છ અઠવાડિયા સુધી મ્યુકરમાઈકોસિસ થવાની શક્યતા વધારે છે. દર્દીઓ વધ્યા પછી તરત તેમના શુગરના પ્રમાણને નિયંત્રિત રાખવા માટે ભાર મૂકવામાં આવે છએ. તેથી જે પહેલાં દર્દીઓ હતા તેમને મ્યુકરમાઈકોસિસ થયો છતાં એ પછીના દર્દીઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હોવાથી રોગ થવાની શક્યતા ઓછી છે. તેથી મ્યુકરમાઈકોસિસની આ લહેર આગામી બેત્રણ અઠવાડિયામાં ઓછી થશે એવો મત ડો. ભૂમકરે વ્યક્ત કર્યો હતો.

વધુ દર્દીઓવાળા જિલ્લાઓ
મહારાષ્ટ્રમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધારે દર્દીઓ હોય એવા જિલ્લાઓમાં પુણે 1215 (85), નાગપુર 1184 (101), ઔરંગાબાદ 700 (51), મુંબઈ શહેર 437 (40), મુંબઈ ઉપનગરો 159 (18), નાશિક 542 (57), સોલાપુર 423 (36), થાણે 245 (32) અને સાંગલી 239 (14)નો સમાવેશ છે.(કૌંસમાં મૃતક)

30 ટકા દર્દીઓ સાજા થયા
રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના 7395 દર્દીઓમાંથી 2212 દર્દીઓ સાજા થઈ ઘરે પાછા ગયા છે. 4463 દર્દીઓની અત્યારે સારવાર ચાલુ છે. 76 દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર ન લેતા પોતાના જોખમે બહાર ગયા છે. આ દર્દીઓ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં દાખલ થયા હોય એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...