હાઈકોર્ટની નોટિસ:મેટ્રો માટે ઉખાડીને પુનર્રોપણ કરવામાં આવેલા ઝાડના મૃત્યુ

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમએમઆરડીએ સહિત મહાપાલિકાને પણ હાઈકોર્ટની નોટિસ

અંધેરીથી દહિસર મેટ્રો-7ના કામમાં આડે આવતા ઝાડ એમએમઆરડીએએ પુનર્રોપણ કર્યા હતા. છતાં દેખભાળના અભાવે એમાંથી કેટલાક ઝાડના મૃત્યુ થયા છે. મુંબઈ હાઈ કોર્ટે એની ગંભીર નોંધ લઈને એમએમઆરડીએ સહિત મહાપાલિકાને નોટિસ બજાવી છે અને એફિડેવિટ પર ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો છે.

મેટ્રો-7ના કામમાં આડે આવતા ઝાડ કાપીને ફરીથી બીજા ઠેકાણે લગાડવામાં આવ્યા હતા અને કેટલાક નવા ઝાડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઝાડનું ધ્યાન રાખવાની જવાબદારી એમએમઆરડીએને સોંપવામાં આવી છે. જો કે આ ઝાડનું ધ્યાન રાખવામાં આવ્યું નહોતું અને એના લીધે 800માંથી અનેક ઝાડ મૃત્યુ પામ્યા. કેટલાક ઝાડ થોડા સમયમાં મૃત્યુ પામવાની સ્થિતિમાં છે. આ પ્રકરણે સ્વયંસેવી સંસ્થા શિવતેજ ફાઉન્ડેશને માહિતી અધિકાર કાયદા હેઠળ આ માહિતી મેળવી હતી અને પ્રશાસન તરફથી તેને ખોટી માહિતી પૂરી પાડવામાં આવી એવો દાવો કર્યો છે.

આ પ્રકરણે સંસ્થાએ મુંબઈ હાઈ કોર્ટમાં એડવોકેટ વીર પંકારિયા, એડવોકેટ ગૌરવ શુક્લા અને એડવોકેટ સુનીલ શુક્લા મારફત જનહિત અરજી દાખલ કરી છે. આ અરજી પર મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ વી.જી.બિશ્ટની ખંડપીઠ સમક્ષ સુનાવણી લેવામાં આવી. એમએમઆરડીએ તરફથી એડવોકેટ અક્ષય શિંદે અને રાજ્ય સરકાર તરફથી એડવોકેટ અભય પત્કીએ પક્ષ રજૂ કર્યો હતો. એ પછી ખંડપીઠ આ અરજીની ગંભીર નોંધ લઈને એમએમઆરડીએ અને મહાપાલિકા તથા રાજ્ય સરકારને 11 જુલાઈ સુધી નોટિસ બજાવીને 8 જુલાઈ સુધી એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

પુનર્રોપણ કરવામાં આવેલા ઝાડ આરે કોલોની અને બાન્દરા કાસ્ટિંગ યાર્ડ ખાતે લગાડવામાં આવ્યા છે. આરે કોલોનીમાં યુનિટ-19 અને 20 ખાતે 39 ઝાડ લગાડવાની પરવાનગી મહાપાલિકાએ આપી હતી પણ ત્યાં એકેય ઝાડ લગાડવામાં આવ્યું નહોતું. અનેક મોટા ઝાડનું પુનર્રોપણ કરવામાં આવ્યા પણ એ મૃત્યુ પામ્યા એમ અરજદારે અરજીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...