મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ દ્વારા કાર્યવાહી:અનેક પેથોલોજીમાં અહેવાલ પર સહી કરતા 3 ડોક્ટરની નોંધણી રદ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક અહેવાલ તપાસવાનું શક્ય નહીં હોવા છતાં પૈસા કમાવા નિયમભંગ

એક સમયે અનેક પેથોલોજીમાં તબીબી અહેવાલો પર નિયમભંગ કરીને સહી કરવા સંબંધે રાજ્યના ત્રણ ડોક્ટરની નોંધણી અલગ અલગ સમયગાળા માટે રદ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પ્રકરણે ફરિયાદને આધારે ડો. રાકેશ દુગ્ગલ અને ડો. રાજેશ સોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. વ્યક્તિગત રીતે દરેક ઠેકાણે જઈને દર્દીઓનો અહેવાલ તપાસવાનું અને તે પછી સહી કરવાનું શક્ય નહીં હોવા છતાં પૈસા મેળવવા માટે આવું કરવામાં આવે છે. આ અંગે ફરિયાદ પછી કાઉન્સિલે તપાસ કરીને નોટિસ બજાવી હતી. ડો. દુગ્ગલે 2 જુલાઈ, 2018ના જવાબ નોંધાવ્યો હતો. પરિષદે 20 માર્ચ, 2020ના આરોપપત્ર પ્રસ્તુત કર્યું. તેમાં બધા અહેવાલો પર એક જ તારીખે 3 ફેબ્રુઆરીએ સહી કરાઈ હતી.

આ સંબંધે ડો. દુગ્ગલને ખુલાસો કરવા કહેવાતાં તેમણે કોઈ ઉત્તર આપ્યો નહોતો. આખરે 20 નવેમ્બર, 2021ના રોજ અંતિમ તપાસમાં ડો. દુગ્ગલ દોષી જણાયા હતા. આ અહેવાલ પર સ્કેન કરેલી સહી છે. ડો. દુગ્ગલે આ લેબની મુલાકાત લીધી નહીં હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આથી ડો. દુગ્ગલની નોંધણી એક વર્ષ માટે રદ કરવામાં આવી. અન્ય આવા જ પ્રકરણમાં ડો. સોનીની નોંધણી છ મહિના માટે રદ કરવામાં આવી છે. આવા જ પ્રકરણોમાં રાજ્યના 3 પેથોલોજિસ્ટને કાઉન્સિલે 1 વર્ષ માટે કોઈ પણ અહેવાલ પર સહી કરવાની મનાઈ કરી છે.

તબીબ કામ કરે તે જ લેબમાં સહી કરી શકે છે
પેથોલોજિસ્ટો જે લેબમાં કામ કરે છે તે જ લેબમાંના અહેવાલ પર સહી કરવાનું કાયદાથી બંધનકારક હોવા છતાં અમુક પેથોલોજિસ્ટો એકસાથે વિવિધ લેબમાં અહેવાલો પર સહીનો ઉપયોગ કરવાની અનુમતી આપીને લાખ્ખો રૂપિયાની ગેરકાયદે કમાણી કરી રહ્યા છે, જેમની પર અંકુશ આવવો જોઈએ, એમ પેથોલોજિસ્ટ ડો. જગદીશ કેસકરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...