કોરોનાના દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં આવી હોવાથી મુંબઈ મહાપાલિકાએ દહિસર, નેસ્કો અને કાંજુર ખાતેનું જમ્બો કોરોના કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય લીધો છે. એ સાથે જ કોરોના કેન્દ્રની દવાઓ, સાધનસામગ્રી અને ઉપકરણો માગણી અનુસાર સંબંધિત હોસ્પિટલોને ઉપલબ્ધ કરી આપવામાં આવશે. કોરોનાગ્રસ્ત દર્દી દાખલ છે એવા કેન્દ્રમાં એક મહિનાની દવાઓ અને દર્દીઓ વિનાના કેન્દ્રમાં અઠવાડિયાની દવાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. બાકીની દવાઓ હોસ્પિટલોને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા ઝડપથી વધતા મહાપાલિકાએ કોરોના કેર સેંટર, ડેડિકેટેડ કોરોના સેંટર, જમ્બો સેંટર શરૂ કર્યા. મોટી સંખ્યામાં દર્દીઓ ત્યાં દાખલ થતા હતા. મુંબઈમાં ત્રીજી લહેર ઓસર્યા બાદ કોરોના કેન્દ્ર સુના પડવા માંડ્યા. તેથી પ્રશાસને મોટા ભાગના કોરોના કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય લીધો. હવે દહિસર, નેસ્કો, કાંજુર ખાતે અનુક્રમે 800 બેડ, 2200 બેડ અને 1600 બેડની ક્ષમતાવાળા કોરોના જમ્બો સેંટર પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ જમ્બો કેન્દ્રની જરૂરિયાતવાળી બાબત હોસ્પિટલોની માગણી અનુસાર ઉપલબ્ધ કરી આપવામાં આવશે એમ મહાપાલિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આ જમ્બો કેન્દ્ર સહિત વિવિધ ઠેકાણાના કેન્દ્રોમાં દવાઓનો સ્ટોક ઉપલબ્ધ છે. કેટલીક દવા એક્સપાયર થવાની શક્યતા છે. આ બાબત ધ્યાનમાં લેતા પ્રશાસને ચાલુ છે એવા કોરોના કેન્દ્રની દવાઓનો સ્ટોક જરૂરિયાત અનુસાર હોસ્પિટલોને ઉપલબ્ધ કરી આપવાનો નિર્ણય લીધો છે. અત્યારે ચાલુ કેટલાક કોરોના કેન્દ્રમાં ઘણા ઓછા દર્દીઓ છે. આવા કેન્દ્રોમાં દર્દીઓને એક મહિનો પૂરી પડે એટલી દવા ઉપલબ્ધ કરી આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.