પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેન સેવાઓ સોમવારે સવારના ધસારાના સમયે ટેકનિકલ ખામીને કારણે ખોરવાઈ ગઈ હતી, જેના કારણે રવિવારની રજા પછી સોમવારે સવારે કામે નીકળેલા હજારો પ્રવાસીઓ પરેશાન થઈ ગયા હતા. ટ્રેનો કતારબંધ ઊભી રહેતાં ઘણા બધા પ્રવાસીઓએ ટ્રેનમાંથી ઊતરીને પાટા પરથી ચાલીને નજીકના સ્ટેશને પહોંચવાનું પસંદ કર્યું હતું.
પશ્ચિમ રેલવેના અધિકારીના જણાવ્યા અનુસાર, સવારે 5.50 વાગ્યાની આસપાસ દહિસર અને બોરીવલી વચ્ચે ઓવરહેડ વાયરમાં ટેક્નિકલ ખામી સર્જાતાં તમામ અપ ટ્રેનોને ડાઉન લાઈનમાં ડાઈવર્ટ કરવામાં આવી હતી, જેના કારણે ફાસ્ટ લોકલ ટ્રેનો 15 મિનિટ મોડી પડી હતી.ટ્રેનવ્યવહાર ખોરવાઈ જતાં અને લોકલ ટ્રેનો કતારબંધ ઊભી રહેતાં મુસાફરો કોચમાંથી નીચે ઊતરી ગયા હતા અને નજીકના સ્ટેશન સુધી પાટા પરથી ચાલ્યા હતા. પાટા પર ચાલતા મુસાફરોની કેટલીક તસવીરો સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ હતી.
રેલવેએ યુદ્ધે ધોરણે સમારકામ કરીને સવારે 7.23 વાગ્યા આ માર્ગ પર ટ્રેનવ્યવહાર ફરીથી શરૂ કર્યો હતો. જોકે ટ્રેનોનું સમયપત્રક ખોરવાઈ ગયું હતું, જેને લીધે 30 ટ્રેનો રદ કરવી પડી હતી, એમ રેલ અધિકારીએ જણાવ્યું હતું.મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે દરરોજ લગભગ 3,000 ઉપનગરીય ટ્રેન સેવાઓનું સંચાલન કરે છે, જેને મુંબઈની લાઈફલાઈન ગણવામાં આવે છે, જેમાં દરરોજ લગભગ 75 લાખ મુસાફરો મુસાફરી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.