નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા ડી- કંપનીના આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કની આતંકી અને ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે માહિતી મળતાં 3 ફેબ્રુઆરીના રોજ દાખલ ગુનામાં સોમવારે મુંબઈમાં 24 ઠેકાણાં અને મીરા રોડ ભાયંદર ખાતે 5 સ્થળે સાગમટે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા.
દુનિયાનો મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ દાઉદ ઈબ્રાહિમ કાસકર અને તેના સાગરીતો હાજી અનીસ ઉર્ફે અનીસ ઈબ્રાહિમ શેખ, શકીલ શેખ ઉર્ફે શકીલ શેખ, જાવેદ પટેલ ઉર્ફે જાવેદ ચિકના અને ઈબ્રાહિમ મુશ્તાક અબ્દુલ રઝ્ઝાક મેમણ ઉર્ફે ટાઈગર મેમણની આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કની આતંકી અને ગુનાહિત પ્રવૃત્તિઓ સંબંધમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.
દાઉદ અને તેના સાગરીતો શસ્ત્રોની દાણચોરી, નાર્કો ટેરરીઝમ, મની લોન્ડરિંગ, નકલી ભારતીય ચલણી નોટોનું વિતરણ, ટેરર ફંડ્સ ઊભાં કરવા માટે મુખ્ય અસ્કયામતો અનધિકૃત રીતે કબજામાં લેવી અથવા હસ્તગત કરવી અને લશ્કરે- તઈબા, જૈશે- મહંમદ અને અલ કાઈદા સહિત આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે સક્રિય જોડાણમાં કામ કરવા માટે ડી- કંપની કુખ્યાત છે અને તે સંબંધમાં એનઆઈએ ઊંડાણથી તપાસ કરી રહી છે.
આ કાર્યવાહીના ભાગરૂપે દાઉદના સાગરીતોના સંકુલોની તલાશી લેવામાં આવી હતી, જેમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસીસ સહિત વિવિધ વાંધાજનક સામગ્રીઓ, રિયલ એસ્ટેટમાં રોકાણોના દસ્તાવેજો, રોકડ અને શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યાં હતાં, એમ એનઆઈએ દ્વારા દરોડા બાદ જણાવવામાં આવ્યું હતું.
અનેકને અટકાયતમાં લેવાયા : દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરોડા બાદ શકીલના જીજાજી અને સાગરીત સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટની ભીંડીબજારથી અટકાયત કરાઈ હતી. અને હાજી અલી દરગાહ અને માહિમ દરગાહના ટ્રસ્ટી સોહેલ ખાંડવાનીની માહિમના નિવાસસ્થાથી અટકાયત કરાઈ હતી. ખાંડવાનીની માહિમ સ્થિત ઓફિસની તલાશી પણ લેવાઈ હતી.
ઉપરાંત બોરીવલીમાં બુકીમાંથી બિલ્ડર બનેલા અજય ગોસલિયાના ઘરની પણ તલાશી લેવાઈ હતી. ઉપરાંત બિલ્ડર અસલમ સોરટિયા અને બીફ નિકાસકાર ફરીદ કુરેશી તેમ જ માહિમ અને બાંદરા વિસ્તારના અમુક શકમંદોની પણ આખરી પૂછપરછ કરવામાં આવી હતી.
સોમવારે સવારથી એનઆઈએની જુદી જુદી ટીમોએ સાગમટે નાગપાડા, ભીંડીબજાર, સાંતાક્રુઝ, માહિમ, ગોરેગાવ, મીરા ભાયંદર, મુંબ્રામાં હાઉસિંગ સોસાયટીઓ અચાનક દરોડા પાડ્યા હતા. 1993ના મુંબઈ બોમ્બબ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ દાઉદના આ બધા સાગરીતો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
હવાલા ઓપરેટરો અને ડ્રગ તસ્કરો
દરમિયાન દાઉદ ગેન્ગ સાથે સંકળાયેલા અનેક હવાલા ઓપરેટરો અને ડ્રગ તસ્કરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દાઉદ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસના ભાગરૂપે સલીમ કુરેશીની પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી ઈડી દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.