તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંકટ:લોહીની અછતથી રાજ્યમાં સંકટઃ મુંબઈમાં ફક્ત 3200 યુનિટ બચ્યું છે

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 50,000 સામે ફક્ત 22,000 યુનિટનો જથ્થો રિઝર્વ

મુંબઈ સહિત રાજ્યમાં ફરીથી લોહીની અછત સર્જાઈ છે. પ્રથમ લહેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, રાજકીય પક્ષોએ મોટા પાયે રક્તદાન શિબિરોનું આયોજન કરતાં બ્લડ બેન્કોમાં જથ્થો વધી ગયો હતો. જોકે બીજી લહેરે વધુ સંક્રમણ ફેલાવતાં રક્તદાનનું પ્રમાણ સાવ ઓછું થઈ ગયું હતું, જેને લીધે હવે તીવ્ર અછત સર્જાઈ છે. આથી સામાજિક સંસ્થાઓ, રાજકીય પક્ષોને ફરી એક વાર રક્તદાન શિબિરો વ્યાપક રીતે યોજવા માટે બ્લેક બેન્કો અનુરોધ કરી રહી છે.

સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલના ઈનચાર્જ ડો. અરુણ થોરાતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સામાન્ય રીતે 50,000 યુનિટ લોહી હોવું જોઈએ તેની સામે હાલ ફક્ત 22,000 યુનિટનો જથ્થો બચ્યો છે. મુંબઈમાં 5000 યુનિટ હોય છે તેની સામે હાલમાં ફક્ત 3200 યુનિટ બચ્યું છે.કોવિડ-19 રસીકરણ ઝુંબેશથી પણ રક્તદાનમાં અસર થઈ છે. રસી લીધી હોય તેઓ 14 દિવસ સુધી રક્તદાન કરી શકતા નથી. આ પણ રક્તદાનમાં મોટો અવરોધ છે. હાલ મહારાષ્ટ્રમાં રોજ આશરે 4.29 લાખ લોકોને કોવિડ-19ની રસી આપવામાં આવી રહી છે, એમ થોરાતે જણાવ્યું હતું.

રુટીન સર્જરીઓમાં પણ વધારો : જેજે હોસ્પિટલના ઈનચાર્જ ડો. હિતેશ પગારેએ જણાવ્યું હતું કે રસીકરણને લીધે રક્તદાનમાં અવરોધ પેદા થયો છે, પરંતુ બીજી બાજુ રુટીન સર્જરીઓમાં વધારો પણ લોહીની અછત માટે કારણભૂત છે. હાલમાં શહેર તબક્કાવાર ખૂલી રહ્યું હોવાથી હોસ્પિટલોએ રુટીન ઓપરેશન શરૂ કર્યાં છે. આને કારણે લોહીની માગણી વધી છે, પરંતુ તેની સામે પૂરતું રક્તદાન થતું નથી. અમે 2500 યુનિટ્સ પ્રાપ્ત કરતા હતા તેની જગ્યાએ હાલમાં 1500 યુનિટ્સ જ મળે છે.

થેલેસેમિયાના દર્દીને અસર
લોહીની અછત સર્જાવાને લીધે થેલેસેમિયાના દર્દીઓને સૌથી વધુ અસર થઈ છે. શુક્રવારે સાયન બ્લડ બેન્કમાં બી પ્લસ બ્લડ ગ્રુપની અછત સર્જાઈ હતી, જેને લીધે થેલેસેમિયાના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં મોકલવા પડ્યા હતા. મલાડ મેડિકલ કાઉન્સિલનાં ડો. શાલીન સોનીએ જણાવ્યું હતું કે અમે 4 જુલાઈના રોજ રક્તદાન શિબિર યોજીને 119 યુનિટ્સ ભેગાં કર્યાં હતાં, જે અમે જેજે હોસ્પિટલને દાન કર્યાં હતાં. સર્વ દાતાઓની રક્તદાન પૂર્વે શારીરિક ફિટનેસની તપાસ કરાઈ હતી. તેમને એન95 માસ્ક અપાયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગની ખાતરી રાખવામાં આવી હતી. વિવિધ હોસ્પિટલોમાંથી હાલમાં લોહીની અછતની ફરિયાદો આવી રહી છે, જેને લીધે ઓપરેશનો પણ પાછળ ઠેલવા પડી રહ્યાં છે.

આજે મલાડમાં રક્તદાન શિબિર
દરમિયાન રોટરેક્ટ ક્લબ ઓફ બોમ્બે નોર્થ વેસ્ટ મલાડ, રોટરેક્ટ ક્લબ ઓફ દહિસર કોસ્ટ, રોટરેક્ટ ક્લબ ઓફ ઘનશ્યામદાસ સરાફ કોલેજ અને રોટરેક્ટ ક્લબ ઓફ બોમ્બે કાંદિવલી દ્વારા જીવનદાન નામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 11 જુલાઈના સવારે 11થી સાંજે 4 વચ્ચે મલાડ પૂર્વની નવજીવન જુનિયર કોલેજમાં આયોજિત આ રક્તદાન શિબિર બધા માટે ખુલ્લી છે. બોમ્બે નોર્થ વેસ્ટ મલાડનાં પ્રમુખ સલોની શાહે જણાવ્યું હતું કે આ એક દિવસના કાર્યક્રમમાં કોઈ પણ રક્તદાન કરી શકશે. આ લોહી બોરીવલી બ્લડ બેન્કને આપવામાં આવશે, જ્યાંથી જરૂરતમંદ દર્દીઓ સુધી પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...