તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:આરે આંદોલનકારીઓ પરના ગુના હજી પાછા ખેંચવામાં આવ્યા નથી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુનો દાખલ હોય એવા પર્યાવરણ કાર્યકર્તાઓના અનેકને વિદેશમાં શિક્ષણ કે નોકરીની તક માટે અડચણ ઊભી થઈ

આરેમાં વૃક્ષ કાપણીનો વિરોધ કરનારા આંદોલનકારીઓ પર દાખલ કરવામાં આવેલા ગુનાઓ પાછા ખેંચવા બાબતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કરેલી ઘોષણાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં એની અમલબજાવણી થઈ નથી. તેથી ગુનો દાખલ હોય એવા પર્યાવરણ કાર્યકર્તાઓના વિદેશ પ્રવાસમાં અડચણ આવી રહી છે. ઓકટોબર 2019માં મેટ્રો-3ના કારશેડ માટે આરેના વૃક્ષો કાપવામાં આવી રહ્યા હતા ત્યારે પર્યાવરણ પ્રેમીઓએ કરેલા આંદોલનમાં 29 જણની ધરપકડ કરીને તેમના પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 2019માં મહાવિકાસ આઘાડી સરકાર આવ્યા પછી આરેનો કારશેડ રદ કરીને આંદોલનકારીઓ પરના ગુના પાછા ખેંચવાની જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી. એક વર્ષ વીતી ગયું છતાં એની અમલબજાવણી થઈ નથી. આંદોલનની રાત્રે આંદોલનકારીઓને તાબામાં લઈને આરે પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. સવારના ગુનો દાખલ કરીને તેમને થાણે સેંટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. બીજા દિવસે જામીન પર બધાનો છૂટકારો થયો હતો. પણ દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડે છે.

ગુનો દાખલ થયેલો હોવાથી અનેક જણને વિદેશમાં શિક્ષણ કે નોકરી માટે જવું હોય તો અડચણ ઊભી થાય છે. અમે ગુનો કર્યો જ નથી. તો પછી પાસપોર્ટની અરજીમાં અમારા પર દાખલ થયેલા ગુનાને શા માટે લખવો એવો પ્રશ્ન આંદોલનકારીઓ કરી રહ્યા છે. મહિલા આંદોલનકારીઓને ભાયખલાની જેલમાં રાખવામાં આવ્યા હતા.

બીજા દિવસે જામીન મળ્યા હતા. પણ હાથમાં પાટી રાખીને ગુનેગારની જેમ ફોટો કાઢવો, હાથની ફિંગરપ્રિન્ટ્સ લેવી એ માનસિક દષ્ટિએ ત્રાસદાયક છે એવી વ્યથા આંદોલનકારીઓ વ્યક્ત કરે છે. આ પ્રકરણ બાબતનો અહેવાલ દિંડોશી કોર્ટમાં રજૂ કર્યો હોવાની માહિતી આરે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક નૂતન પવારે આપી હતી.

આંદોલનની પાર્શ્વભૂમિ
આરેના વૃક્ષો કાપવા બાબતનું પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં હોવાથી વૃક્ષો કાપવા માટે હંગામી સ્ટે આપવાની મૌખિક સૂચના હાઈ કોર્ટે આપી હતી. તેમ જ મહાપાલિકાના વૃક્ષ પ્રાધિકરણે વૃક્ષો કાપવા માટે પરવાનગી આપ્યા બાદ નાગરિકોને વાંધા નોંધાવવા માટે 15 દિવસની મુદત મળે એ જરૂરી હતું. આમ ન કરતા પ્રાધિકરણની પરવાનગી મળ્યા બાદ તરત 4 ઓકટોબરના સાંજે આરેમાં વૃક્ષો કાપવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ માહિતી મળતા જ મુંબઈના ખૂણેખાંચરેથી પર્યાવરણ પ્રેમીઓ આરે પહોંચ્યા હતા. આંદોલન શરૂ થતા જ આરેમાં આવતા તમામ રસ્તાઓ પોલીસે બંધ કર્યા હતા અને 29 આંદોલનકારીઓની ધરપકડ કરીને તેમના પર ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...