તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઉપનગરીય રેલવે માર્ગમાં છેલ્લા 2.5 વર્ષમાં ગુના વધ્યાં

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • {વિવિધ પ્રકારની ચોરીઓના સૌથી વધુ ગુનાની નોંધ

મધ્ય અને પશ્ચિમ રેલવે ઉપનગરીય માર્ગમાં હત્યા, ચોરી, વિનયભંગ વગેરે ગુનાઓ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. રેલવે માર્ગમાં ગુનેગારી પર સંપૂર્ણ અંકુશ આવ્યો નથી. છેલ્લા અઢી વર્ષમાં 45,233 વિવિધ પ્રકારના ગુનાઓ થયા છે અને 10,508 આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યાની માહિતી રેલવે પોલીસે આપી હતી. વિવિધ પ્રકારની ચોરીઓના સૌથી વધુ ગુનાઓની નોંધ થઈ છે.કોરોના પહેલાં મધ્ય અને પશ્ચિમ રેલવેમાં લગભગ 75 થી 80 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા.

કોરોનાના સમયમાં પ્રતિબંધોના કારણે આ સંખ્યા 30 થી 35 પર પહોંચી. જોકે પ્રતિબંધો હળવા થતા જ પ્રવાસીઓની સંખ્યામાં ઉમેરો થયો. જેમ જેમ પ્રવાસીઓની સંખ્યા વધી તેમ તેમ લોકલમાં ગિરદી પણ વધવા માંડી. આ ગિરદીનો ફાયદો ઉઠાવતા પ્લેટફોર્મ, રાહદારી પુલ અને લોકલ ટ્રેનમાં ચોરોએ મોબાઈલ, પાકીટ વગેરેની તફડંચી કરવાની શરૂઆત કરી. તેમ જ મહિલાઓની છેડતી, વિનયભંગ અને ચોરીના ઉદ્દેશથી મારપીટની ઘટનાઓ પણ બની રહી છે. પ્રવાસીઓની સંખ્યાની સરખામણીએ રેલવે પોલીસ અને રેલવે સુરક્ષા દળનું મનુષ્યબળ ઓછું પડી રહ્યું છે.

રેલવે પોલીસે આપેલી માહિતીમાં 2019, 2020 અને જુલાઈ 2021 સુધી મધ્ય અને પશ્ચિમ રેલવેમાં 45,233 વિવિધ પ્રકારના ગુનાઓ થયા છે. મધ્ય રેલવેમાં 29,694 ગુના અને પશ્ચિમ રેલવેમાં 15,539 ગુનાઓ થયા. મધ્ય રેલવેમાં ફક્ત 5844 અને પશ્ચિમ રેલવેમાં 3683 ગુનાઓનો ઉકેલ સફળતાપૂર્વક કાઢવામાં આવ્યો છે. અઢી વર્ષમાં થયેલા કુલ ગુનાઓમાં વિવિધ પ્રકારે થનારી ચોરીઓનું પ્રમાણ વધારે છે. બંને ઉપનગરીય માર્ગમાં 41,616 ચોરીઓ થઈ છે. એમાં મધ્ય રેલવેમાં 27,275 અને પશ્ચિમ રેલવેમાં 14,441 ચોરીઓ થઈ છે. મોબાઈલની ચોરીનું પ્રમાણ સૌથી વધારે છે.

10,508 ગુનેગારોની ધરપકડ
2019 થી જુલાઈ 2021 સુધી 10,508 ગુનેગારોની મુંબઈ ઉપનગરીય રેલવે માર્ગમાં વિવિધ ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી હતી. એમાં મધ્ય રેલવેમાં 6445 અને પશ્ચિમ રેલવેમાં 4063 ગુનાગારોની ધરપકડ કરી હોવાની માહિતી રેલવે પોલીસે આપી હતી.

હત્યા, હત્યાનો પ્રયત્ન, દુષ્કર્મ
હત્યા, હત્યાનો પ્રયત્ન પણ રેલવેની હદમાં થયો છે. એની સંખ્યા પણ મોટી છે. રેલવે માર્ગ નજીકની ઝૂપડપટ્ટીઓ અને અનધિકૃત પ્રવેશદ્વારમાંથી અનેક જણ રેલવેની હદમાં ઘુસે છે. તેથી ગુનેગારોની પ્લેટફોર્મ પર અવરજવર વધી છે. પરિણામે હત્યા કરવાનો કે હત્યાનો પ્રયત્ન કરવાની ઘટનાઓ પણ બને છે. આવા 48 ગુનાઓ નોંધાયા છે. એમાં 17 હત્યાની નોંધ છે. ઉપરાંત 14 દુષ્કર્મની પણ નોંધ છે.

અન્ય સમાચારો પણ છે...