કામગીરી:ક્રાઈમ બ્રાન્ચે ખંડણી કેસમાં વાઝેને કસ્ટડીમાં ‌‌‌લઈ લીધો, વાઝેની ધરપકડથી પરમવીરની ફરતે ભીંસ વધશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બરતરફ એપીઆઈ સચિન વાઝેને ગોરેગાવમાં નોંધાયેલા ખંડણી કેસમાં કસ્ટડીમાં લીધો છે. આ પછી તેને સીએસએમટી નજીક કિલ્લા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. વિશેષ કોર્ટે ગયા સપ્તાહમાં વાઝેની કસ્ટડી લેવા માટે મંજૂરી આપી હતી. વાઝે તે પૂર્વે નવી મુંબઈની તલોજા જેલમાં હતો.આ કેસમાં ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ પણ આરોપી છે. આથી વાઝેની ધરપકડ સાથે પરમવીર ફરતે ભીંસ વધશે એવું કહેવાય છે.

49 વર્ષીય એપીઆઈ વાઝેની દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકો સાથેની એસયુવી અને ધમકીનો પત્ર મૂકવા અંગે અને ત્યાર પછી રાઝદાર થાણેના વેપારી મનસુખ હિરનની હત્યા કરવા સંબંધે માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી.આ પછી ગોરેગાવમાં વાઝે સામે ખંડણીનો કેસ દાખલ થયો છે, જેમાં હવે વધુ તપાસ કરવા ક્રાઈમ બ્રાન્ચે વાઝેનો કબજો લીધો છે. વાઝેએ હાલમાં જ બાયપાસ સર્જરી કરાવી હતી.

આથી કોર્ટે તેના આરોગ્યની સ્થિતિ વિશે જેલ પ્રશાસન પાસેથી રિપોર્ટ મગાવ્યો હતો. થોડા દિવસ માટે તે પ્રવાસ કરી શકે છે એવું જણાતાં કોર્ટે ગયા સપ્તાહમાં જેલ પ્રશાસનને વાઝેનો કબજો 1 નવેમ્બરે ક્રાઈમ બ્રાન્ચને સોંપવા માટે કહ્યું હતું.ગોરેગાવના બિલ્ડર કમ હોટેલિયર બિમલ અગ્રવાલે વાઝે, પરમવીર સાથે સુમિત સિંહ ઉર્ફે ચિંટુ, અલ્પેશ પટેલ, વિનય સિંહ ઉર્ફે બબલુ અને રિયાઝ ભાટી સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...