ચિંતા:ગણેશોત્સવ પૂરો થતાં મુંબઈમાં કોરોનાના દર્દી વધવાની શક્યતા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકા પ્રશાસને આ મહિનાના આંકડાઓ જોતા ચિંતા વ્યક્ત કરી

મુંબઈમાં ગણેશોત્સવ પછી કોરોનાના દર્દીઓની સંખ્યા વધી શકે છે એવી શક્યતા મુંબઈ મહાપાલિકાએ વ્યક્ત કરી છે. તેમ જ આ મહિનાના આંકડાઓ પણ એ જ દર્શાવે છે. મુંબઈમાં ઓગસ્ટ મહિનામાં દરરોજ 200 થી 300 કોરોનાના દર્દીઓની નોંધ થતી હતી. પણ સપ્ટેમ્બર મહિનામાં આ જ આંકડો દૈનિક 300 થી 400 સુધી પહોંચ્યો છે. એવામાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળો તરફથી કોરોનાના નિયમોનું પાલન થતું ન હોવાનું મહાપાલિકા દ્વારા જણાવવામાં આવે છે. ખાસ કરીને આરતીના સમયે અનેક નાગરિકો ભેગા થાય છે અને માસ્ક પહેર્યા વિના આરતીમાં ભાગ લે છે.

એના લીધે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવ પછી કોરોનાના દર્દીઓની સંખ્યા વધશે એમ મહાપાલિકાના અધિકારીઓ જણાવે છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મુંબઈનું ચિત્ર અત્યંત ડરામણું હતું. કોરોનાની બીજી લહેરના ફેલાવાની શરૂઆત થઈ હતી. બીજી લહેર દરમિયાન મુંબઈમાં સૌથી વધુ દર્દીઓની સંખ્યા ગણેશોત્સવ અને ગણેશોત્સવ પછીના સમયમાં જોવા મળી હતી. તેથી આ વખતના ગણેશોત્સવ પર મુંબઈ મહારાલિકા ઝીણવટભરી નજર રાખી રહી છે. આંકડાઓ જોઈએ તો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં 400 થી 450 દર્દીઓ દરરોજ નોંધાતા હતા.

હવે છેલ્લા થોડા દિવસથી 350 થી 360 દર્દીઓની છે. પણ ગણેશોત્સવના સમયમાં વધેલી ગિરદી અને કોરોનાના નિયમોનું ઉલ્લંઘનના કારણે કોરોનાના દર્દીઓની સંખ્યા વધે એવી શક્યતા છે. મુંબઈમાં દર્દીઓની સંખ્યા વધવાનું મોટું કારણ એટલે બજારોમાં થતી ગિરદી અને બીજું સાર્વજનિક ગણેશોત્સવ મંડળોમાં વધતી ગિરદી છે.

આ ઠેકાણે નિયમોનું પાલન થાય છે કે નહીં એના પર મહાપાલિકા પ્રશાસનનું ધ્યાન છે. નાગરિકોએ કોરોનાના નિયમોનું પલન કરવું એવી હાકલ વારંવાર પ્રશાસન કરે છે. હવે વિસર્જનના સરઘસનું શું કરવું? એવો પ્રશ્ન અત્યારે મહાપાલિકા સમક્ષ છે. ગણેશોત્સવના સમયમાં આંકડો વધે નહીં અને ત્રીજી લહેરને આમંત્રણ ન મળે એ માટે મહાપાલિકા પ્રશાસન પ્રયત્નો કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...