કોઈ પણ રજિસ્ટ્રેશન વિના, કોઈ પણ લાયસંસ વિના ચાલુ કરવામાં આવેલ બોગસ અને ટેસ્ટ માટે મનફાવે એટલે રૂપિયા લેનાર ખાનગી લેબોરેટરી પર અંકુશ મૂકવા રાજ્ય સરકાર બોમ્બે નર્સિંગ એક્ટમાં સુધારા કરશે. આ બાબતના નિયમ અને માર્ગદર્શક ધોરણ બાબતે ત્રણ મહિનાની અંદર અહેવાલ રજૂ કરવામાં આવશે એવી માહિતી આરોગ્ય મંત્રી ડો. રાજેશ ટોપેએ વિધાનસભામાં આપી હતી.
રાજ્યમાં લગભગ 13 હજાર પેથોલોજી લેબમાંથી 8 હજાર બોગસ છે. મુંબઈમાં એમાંથી મોટા ભાગની લેબ છે. મોટા પ્રમાણમાં એમાં ખોટા કામ થાય છે. બોગસ પેથોલોજી લેબ ચલાવનારાઓ પર કાર્યવાહી કરવામાં આવે એવી માગણી થઈ રહી છે.
બોગસ પ્રમાણપત્રના આધારે પેથોલોજી લેબ શરૂ કરનાર અને વિવિધ ટેસ્ટ માટે મનફાવે એટલા રૂપિયા લેનાર ખાનગી પેથોલોજી લેબ બાબતે નિયમાવલી તૈયાર કરીને એનો અહેવાલ તૈયાર થઈ રહ્યો છે. આ અહેવાલ ત્રણ મહિનામાં આવશે. આ બાબતે કાયદો ઘડવો પડશે તો આવો કાયદો અસ્તિત્વમાં આવે ત્યાં સુધી વટહુકમ કાઢશું અથવા જીઆર કાઢીને પેથોલોજી લેબ પર નિયંત્રણ રાખવામાં આવશે એમ ટોપેએ સ્પષ્ટ કર્યું હતું.
રજિસ્ટર્ડ કર્મચારીઓની જ નિયુક્તી કરવી
રાજ્યની દરેક ડીએમએલટી કરેલ વ્યક્તિની નોંધણી પેરામેડિકલ કાઉન્સિલમાં થયેલી હોવી જોઈએ. આવી નોંધણી થયેલ વ્યક્તિની નિયુક્તી પેથોલોજી લેબમાં કરવી જોઈએ. તેથી ટેસ્ટનો રિપોર્ટ ખોટો નહીં આવે.
એમડી પેથોલોજીની સહી કર્યા પછી જ રિપોર્ટ આપવો જરૂરી છે. અત્યારે બે કાયદા અસ્તિત્વમાં છે. એમાં કેન્દ્ર સરકારના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેંટ એક્ટ અને રાજ્ય સરકારના બોમ્બે નર્સિંગ એક્ટનો સમાવેશ છે. બોમ્બે નર્સિંગ એક્ટમાં સુધારા કરવામાં આવશે. રિપોર્ટ તૈયાર કરવા માટે 18 સભ્યોવાળી સમિતિની નિયુક્તી કરવામાં આવી છે. આગામી ત્રણ મહિનામાં આ સમિતિ અહેવાલ આપશે. એ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે એમ ટોપેએ ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.