તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:2014ની ચૂંટણીમાં થયેલો દગો ધ્યાને રાખીને હવે આગામી તૈયારીઃ કોંગ્રેસ

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાના પટોલેએ હવે પરોક્ષ રીતે રાષ્ટ્રવાદી પર નિશાન સાધ્યું

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પર ગત વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં પરોક્ષ હુમલો કરતાં મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે તેમની પાર્ટી સાથે 2014માં દગો કરવામાં આવ્યો હતો અને હવે તે જ ધ્યાનમાં રાખીને આગામી 2024ની સામાન્ય ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યા છે.

પટોલેએ એમ પણ કહ્યું હતું કે તેમને શરદ પવારની આગેવાનીવાળી એનસીપી અથવા શિવસેનાને નહીં પણ વિપક્ષી ભાજપને નિશાન બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે શિવસેના- એનસીપી અને કોંગ્રેસ મળીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર ચલાવી રહ્યા છે.

પટોલે હંમેશાં ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષ સ્વબળે લડશે એવી વાત કરી રહ્યા છે, તેમણે કહ્યું કે, 2014માં અમારી (કોંગ્રેસ) સાથે દગો કરવામાં આવ્યો હતો. તેને ધ્યાનમાં રાખીને, અમે આગામી લોકસભાની ચૂંટણીઓની તૈયારી કરી રહ્યા છીએ. પટોલેનો ઇશારો મહારાષ્ટ્રમાં ૨૦14ની વિધાનસભાની ચૂંટણીમાં એકલા લડવાના એનસીપીના નિર્ણય તરફ હતો. કોંગ્રેસના એક વર્ગનું માનવું છે કે એનસીપીના નિર્ણયથી ભાજપને ફાયદો થયો, જેણે 122 બેઠકો જીતી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

નોંધનીય છે કે એનસીપીએ ત્યાર બાદ ભાજપને સરકાર બનાવવા માટે બહારથી સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તે મહારાષ્ટ્રના હિતમાં અને રાજ્યના વિકાસ માટે આમ કરી રહી છે. જોકે ત્યાર બાદ ભાજપે શિવસેનાના ટેકાથી સરકાર બનાવી હતી. 2019ની વિધાનસભાની ચૂંટણી પછી ભાજપ- શિવસેનાનું જોડાણ તૂટી ગયું હતું, કારણ કે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી પાર્ટી શિવસેનાનો જ મુખ્ય મંત્રી બનાવવા મક્કમ હતી.

2014ની વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ મહારાષ્ટ્રની સૌથી મોટી પાર્ટી હતી, પરંતુ ધીમે ધીમે તે ધારાસભ્યોની સંખ્યાના સંદર્ભમાં ચોથા સ્થાને આવી ગઈ. પટોલે કહ્યું, “કોંગ્રેસની સરકાર (કેન્દ્રમાં) 2024માં રાહુલ ગાંધીના નેતૃત્વમાં આવશે. ભાજપે આખા દેશને વેચવા કાઢ્યો છે. લોકો રોગચાળાથી પીડિત છે. વધતી મોંઘવારીને કારણે તેમની હાલત કફોડી બની રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ જ ભાજપ સામે વિકલ્પ આપી શકે છે.

પટોલેએ તાજેતરમાં એમ કહીને વિવાદ સર્જ્યો હતો કે રાજ્ય સરકાર તેમની જાસૂસી કરી રહી છે. તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટીના વધતા પ્રભાવને કારણે શિવસેના અને એનસીપીના પગ નીચેની જમીન સરકી રહી છે. પટોલેએ સોમવારે કહ્યું હતું કે મિડિયા દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે અને સરકારના ઘટક પક્ષો વચ્ચે કોઈ વિવાદ થયો નથી અને કોંગ્રેસને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...