કોંગ્રેસનું જોર વધ્યું:કોંગ્રેસે રાષ્ટ્રવાદીના નગરાધ્યક્ષ સહિત 20 નગરસેવકોને ફોડ્યા

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ પદાધિકારીઓ કોંગ્રેસમાં જોડાયા

આગામી મહાપાલિકાની ચૂંટણીઓ નજીક આવતાં ફોડાફોડીનું રાજકારણ ઉગ્ર બની રહ્યું છે. માલેગાવમાં કોંગ્રેસના 28 નગરસેવક અને ભિવંડીમાં 18 નગરસેવકો રાષ્ટ્રવાદીએ ફોડ્યા બાદ કોંગ્રેસે રાષ્ટ્રવાદીના નગરાધ્યક્ષ સહિત 20 નગરસેવકોને ફોડ્યા છે. આ સાથે અન્ય પક્ષના પદાધિકારીઓનું પણ કોંગ્રેસમાં જોરદાર સ્વાગત કર્યું છે.

પરભણી જિલ્લાના સેલુ નગરપાલિકાના નગરાધ્યક્ષ વિનોદરાવ બોરાડે અને ઉપ નગરાધ્યક્ષ પ્રભાકર સુરવસે સહિત જિલ્લાના 24 વર્તમાન નગરસેવકો, જિલ્લા પરિષદનાસભ્યો, ઔરંગાબાદ અને નાંદેડ જિલ્લાના રાષ્ટ્રવાદી કોંગ્રેસ, ભાજપ, એમઆઈએમ અને અન્યપક્ષના નગરસેવકો, જિલ્લા પરિષદના સભ્યો, પદાધિકારી, સેંકડો કાર્યકરોએ રવિવારે પ્રદેશાધ્યક્ષ નાના પટોલે અને જાહેર બાંધકામ મંત્રી અશોક ચવ્હાણની હાજરીમાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.

આ સમયે પટોલેએ એવું કહી બતાવ્યું કે રાષ્ટ્રવાદીની તે વર્તણૂકનો અમને ગુસ્સો છે પરંતુ દ્વેષ નથી. રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર છે. બધા પક્ષોનો સમન્વય હોવો જોઈએ એવી અમારી ભૂમિકા હતી, પરંતુ અમારા સહયોગી પક્ષે માલેગાવ અને ભિવંડીમાં અમને આંચકો આપ્યો છે, જેનો અમને ગુસ્સો છે, પરંતુ દ્વેષ નથી. આથી આગામી દિવસોમાં ફોડાફોડીનું રાજકારણ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.પ્રદેશ કોંગ્રેસના મુખ્યાલય ટિળક ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉક્ત બધાએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.

આ સાથે નાંદેડ જિલ્લાના કિનવટ અને માહૂર તાલુકાના ભાજપના નેતા, પદાધિકારીઓએ પણ સમર્થકો સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. આ સમયે પટોલેએ જણાવ્યું કે રાજ્યભરમાંથી વિવિધ પક્ષના નેતાઓ કોંગ્રેસમાં પ્રવેશ કરી રહ્યા છે. રાષ્ટ્રવાદી અને ભાજપના અનેક નેતા અને પદાધિકારીઓ હજુ પણ કોગ્રેસમાં આવવા ઈચ્છુક છે, પરંતુ અમે કોઈને પણ કોઈ લાલચ આપીને પ્રવેશ આપતા નથી. પરભણી જિલ્લાના અન્ય પક્ષના અનેક કાર્યકરોએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હોઈ અહીં કોંગ્રેસનું જોર વધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...