નાગરિકોના પ્રશ્ન:મુંબઈમાં પાણી, કચરો, શૌચાલય બાબત ફરિયાદોમાં વધારો નોંધાયો

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 10 વર્ષની ફરિયાદોના કયાસમાં નિષ્પન્ન

છેલ્લા 10 વર્ષમાં મુંબઈમાં પાણી અને ઘનકચરા વ્યવસ્થાપન બાબતની ફરિયાદોનું પ્રમાણ 7 ટકા પરથી 12 ટકા પર પહોંચ્યું છે. મુંબઈના શૌચાલય અન કીટક નિયંત્રણ બાબતની ફરિયાદોમાં સૌથી વધારે વધારો થયો હોવાનું પ્રજા ફાઉન્ડેશનના અહેવાલમાં નિષ્પન્ન થયું છે. મહાપાલિકાના મધ્યવર્તી ફરિયાદ નિવારણ યંત્રણામાં (સીસીઆરએસ) 2012 થી 2021ના દસ વર્ષના સમયમાં આવેલી ફરિયાદોનું પ્રજા ફાઉન્ડેશને વિશ્લેષણ કર્યું અને એનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો.

શહેરમાં 2018 અને 2019માં એક લાખ કરતા વધારે ફરિયાદ દાખલ થઈ હતી. કોરોનાના સમયમાં એમાં ઘટાડો થયો હતો. 2020માં 93 હજાર અને 2021માં 90 હજાર ફરિયાદ મળી હતી. કોરોનાના સમયમાં ફરિયાદમાં ઘટાડો થયો પણ એ જ પ્રમાણે આ ફરિયાદોનું નિરાકરણ કરવાના સમયમાં મોડું થયું હોવાનું જણાયું છે. છેલ્લા 10 વર્ષમાં શહેરમાં સૌથી વધારે ફરિયાદ ઈમારતો, દુકાનો સાથે સંબંધિત દાખલ થઈ છે. એ પછીના ક્રમે ગંદા પાણીના વ્યવસ્થાપન બાબતે વધારે ફરિયાદ મળી છે.

પાણી અને વિવિધ લાયસંસ સંબંધિત સમસ્યાઓ બાબતે પણ વધારે ફરિયાદ મળી છે. શહેરમાં 2012માં 32 ટકા ફરિયાદ રસ્તા સંબંધિત હતી. 2014થી આ ફરિયાદમાં ઘટાડો થયો. 2018 અને 2019માં આ ફરિયાદનું પ્રમાણ 12 ટકા હતું. 2020 અને 2021માં એમાં હજી ઘટાડો થઈને પ્રમાણ 8 ટકા થયું હતું.

પોતાની પાસે દાખલ થયેલી ફરિયાદની માહિતી મહાપાલિકાએ જાહેર સ્વરૂપમાં ઉપલબ્ધ કરવી જરૂરી છે તેથી ફરિયાદનું શું થયું અને કયા વોર્ડમાં વધુ ફરિયાદ વિલંબિત છે એની માહિતી સમજવી સહેલું થશે. નાગરિકોનું ફરિયાદોનું નિવારણ સમયસર થવું જરૂરી છે. 2021માં ફરિયાદનું નિવારણ કરવા લગભગ 45 દિવસનો સમય લાગ્યો હતો.

નાગરિકોના પ્રશ્ન પર નગરસેવકોનું દુર્લક્ષ
છેલ્લા 10 વર્ષમાં મહાપાલિકાની વોર્ડ સમિતિના નગરસેવકોની ઉપસ્થિતિમાં ઘટાડો થયો છે. આ પ્રમાણ 82 ટકાથી ઓછું થઈને 75 ટકા પર આવ્યું છે. એમાં શહેરના નાગરિકો સાથે સંબંધિત પ્રશ્નના બદલે નગરસેવકોએ સૌથી વધારે પ્રશ્ન રસ્તા અને ચોકના નામકરણ બાબતે ઉપસ્થિત કર્યા છે. પાણી સાથે સંબંધિત ફક્ત 4 ટકા, ઘનકચરો વ્યવસ્થાપન સાથે સંબંધિત 9 ટકા ફરિયાદ તથા ગંદા પાણી બાબતે ફક્ત 4 ટકા ફરિયાદ નગરસેવકોએ મહાપાલિકા પાસે કરી છે.

અન્ય સમાચારો પણ છે...