તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી કરી હોવાનો દાવો:કાંદિવલીની સોસાયટીમાં નકલી રસી આપી હોવાની પોલીસમાં ફરિયાદ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણ કરાવ્યા પછી કો-વિન પોર્ટલ પર અલગ અલગ હોસ્પિટલોને નામે સર્ટિફિકેટ મળ્યા

કાંદિવલીની હાઉસિંગ સોસાયટીએ તેના મેમ્બરો માટે કોવિડ-19 રસીકરણ શિબિરનું આયોજન કરનારા અમુક લોકોએ ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિ હોવાનો દાવો કરીને છેતરપિંડી કરી હોવાની અને તેમણે આપેલી રસી નકલી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કાંદિવલીના હિરાનંદાની હેરિટેજ રેસિડેન્ટ્સ વેલફેર એસોસિયેશને આ મામલામાં તપાસની માગણી કરી છે.30 મેના રોજ આ રહેવાસી સંકુલમાં રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે રસી લીધા પછી કો-વિન પોર્ટલ પર રહેવાસીઓની કોઈ નોંધ નહોતી અને તેમને અલગ અલગ હોસ્પિટલોને નામે રસી લીધી હોવાનાં સર્ટિફિકેટ પ્રાપ્ત થયાં હતાં, એમ ફરિયાદમાં જણાવાયું છે.

જો રસી નકલી હોય તો તે લેનારા રહેવાસીઓને તબીબી કટોકટીનો સામનો કરવો પડશે. આથી આ સંપૂર્ણ ઘટનાની તુરંત તપાસ થવી જોઈએ, જેથી આવી છેતરપિંડીની પ્રવૃત્તિઓ અન્ય સ્થળે દોહરાવવામાં નહીં આવે, એમ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. સોસાયટીએ પાંડે નામે વ્યક્તિ થકી શિબિરનું આયોજન કર્યું હતું. પાંડેએ અંધેરીની એક નામાંકિત ખાનગી હોસ્પિટલનો સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ હોવાનો દાવો કર્યો હતો. શિબિરમાં વ્યક્તિદીઠ રૂ. 1260 લેખે 390 મેમ્બરોએ રસી લીધી હતી. હવે અમને એમ લાગે છે કે કોઈ ઠગ તત્ત્વો દ્વારા અમને ફસાવવામાં આવ્યા છે, એમ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

રસી લીધા પછી અમને નાનાવટી હોસ્પિટલ, લાઈફલાઈન હોસ્પિટલ અને નેસ્કો કોવિડ કેમ્પને નામે સર્ટિફિકેટ પ્રાપ્ત થયાં હતાં. આથી અમે નાનાવટી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે શિબિરમાં અમારો કોઈ સહભાગ નથી અને અમે પણ આ સ્થિતિમાં ભોગ બન્યા છીએ, એમ સંકુલની રહેવાસી નેહા અલશીએ ટ્વિટર પર જણાવ્યું હતું.નાનાવટી હોસ્પિટલે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે અમે આવી કોઈ રસીકરણ શિબિર યોજી નથી. અમને પ્રશાસન દ્વારા માહિતી આપવામાં આવી છે અને અમે વિધિસર ફરિયાદ નોંધાવીશું, એમ હોસ્પિટલના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું.

રસીના પેમેન્ટ સામે રસીદ નહીં : ફરિયાદ અનુસાર સંજય ગુપ્તા નામે વ્યક્તિ શિબિર માટે સમન્વયક હતો. રસી માટે નાણાં ચૂકવી દીધા બાદ તેણે રસીદ પણ આપી નહોતી. ગુપ્તાએ મહેન્દ્ર સિંહ નામે વ્યક્તિને પેમેન્ટ કરવા માટે પૂછ્યું હતું. ભાજપના સ્થાનિક વિધાનસભ્ય યોગેશ સાગરે જણાવ્યું કે છેતરપિંડીની શંકાને લઈ રહેવાસીઓએ મારો સંપર્ક કર્યો હતો. પોલીસે આમાં ઊંડાણથી તપાસ કરવી જોઈએ, કારણ કે આવા કૃત્યથી લોકોના જાનનું જોખમ બની શકે છે.

કોવિશિલ્ડને નામે ગ્લુકોઝનું પાણી
નવાઈની વાત એ છે કે રસી લીધા પછી સોસાયટીના કોઈ પણ મેમ્બરને તાવ કે શરીરમાં દર્દ જેવી સામાન્ય રીતે ઉદભવતી આડઅસરો જણાઈ નહોતી. આથી અમને કોવિશિલ્ડ આપવામાં આવ્યું કે ગ્લુકોઝ અથવા આખરી તારીખ પૂરી થયેલી અથવા કાઢી નખાયેલી રસી આપવામાં આવી છે કે કેમ એવી અમને શંકા છે, એમ અલશીએ જણાવ્યું હતું.

પાલિકાએ હવે કરાર ફરજિયાત બનાવ્યો
દરમિયાન મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે સોમવારે જ આવી ઠગાઈની સંભાવના જોતાં રસી આપનારા અને સોસાયટીઓ વચ્ચે કરાર કરવાનું અને તેમાં સર્વ વિગતો લખવાનું ફરજિયાત હોવાનો આદેશ જારી કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...