આરોપ:રિયાઝ ભાટી પર વેપારીને હનીટ્રેપમાં સપડાવી લાખો વસૂલવાની ફરિયાદ

મુંબઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવતા ભાટી વિરુદ્ધ ફરિયાદ

અનેક રાજકારણી અને પોલીસો સાથે ઘરોબો ધરાવતા કથિત ગેન્ગસ્ટર રિયાઝ ભાટી વિરુદ્ધ વર્સોવાના વેપારીએ તેના હનીટ્રેપમાં સપડાવીને રૂ. 24.85 લાખ વસૂલ કર્યા હોવાનો આરોપ કર્યા છે. ખાસ કરીને ભાટીએ વેપારી પાસેથી પૈસા પડાવવા પોતાની પત્નીનો જ ઉપયોગ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

વર્સોવામાં રહેતા 44 વર્ષીય વેપારીએ તેની પાસેથી ગયા વર્ષે ભાટીએ પૈસા પડાવ્યા હોવાની વર્સોવા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી છે. ભાટી પણ વર્સોવામા જ રહેતો હોવાથી વેપારીનો ઓળખતો હતો, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું.ભાટીએ વેપારીને કહ્યું કે તેના પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક છે અને અનેક રાજકારણીઓને પણ જાણે છે. ભાટીએ વેપારીને વિશ્વાસ બેસે તે માટે રાજકારણીઓ સાથે તેના ઈન્ટરનેટ પરના ફોટો પણ બતાવ્યા હતા.

દરમિયાન ભાટી થકી વેપારી એક સેક્સ વર્કરના સંપર્કમાં આવ્યો હતો. આ મહિલાએ એક દિવસ વેપારી સાથેનો તેનો વાંધાજનક પોઝમાં વિડિયો ઉતારી લીધો હતો. ભાટીએ તે પછી આ વિડિયો વાઈરલ કરવાની ધમકી આપીને પૈસા માગ્યા હતા.બદનામીના ડરથી વેપારીએ રૂ 24.85 લાખ ભાટીને આપ્યા હતા, જે પછી વિડિયો ડિલીટ કરવામાં આવ્યો હતો. જોકે થોડા સમય પછી પેલી મહિલા ફરીથી વેપારીના સંપર્કમાં આવી હતી. તે સમયે મહિલાએ વેપારીને કહ્યું કે તે ભાટીની પત્ની છે અને ભાટીની સૂચનાથી જ આ કામ કર્યું હતું, એમ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે થોડા સમય પૂર્વે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા નવાબ મલિકે ભાટી સાથે ભાજપના નેતાઓના ફોટો ટ્વીટ કરીને એક ગેન્ગસ્ટર સાથે શું સંબંધ છે એવું પૂછ્યું હતું. આ પછી ભાજપના નેતાઓએ જણાવ્યું કે ભાટીના ફોટો શિવસેના અને અન્ય પક્ષના નેતાઓ સાથે પણ છે.દરમિયાન 23 જુલાઈએ ભાટી વિરુદ્ધ અન્ય એક વેપારીની ફરિયાદ પરથી ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ અને બરતરફ એપીઆઈ સચિન વાઝેનાં પણ નામ છે.

અન્ય સમાચારો પણ છે...