કાર્યવાહી:50 કરોડના ડ્યુટી ડ્રોબેક કૌભાંડમાં કંપનીના મેનેજરની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટું મૂલ્યાંકન કરીને કાર્પેટ, સિલ્ક અને અન્ય યાર્નની નિકાસ

સરકાર પાસેથી ઉચ્ચ ડ્યુટી ડ્રોબેકનો લાભ લેવા માટે કાર્પેટ્સ, સિલ્કનું ફેબ્રિક અને અન્ય યાર્નના નિકાસી માલોનું ખોટું મૂલ્યાંકન કરીને યુએસએમાં નિકાસ બતાવી રૂ. 50 કરોડની છેતરપિંડી કરવા સંબંધે ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની મુંબઈ શાખા દ્વારા મધ્ય પ્રદેશના રહેવાસી કંપનીના સિનિયર મેનેજર વિક્રમ સિંહ બઘેલની ધરપકડ કરવામાં આવી છે. કાકા ઓવરસીઝ લિ., મેસર્સ કાકા કાર્પેટ્સ, રગસોટિક પ્રા. લિ., મેસર્સ રગસોટિક અને શોભા વુલન્સ પ્રા. લિ. એમ પાંચ નિકાસકારો દ્વારા યુએસએમાં મુખ્યત્વે માલો નિકાસ કરવામાં આવતા હતા.

કથિત નિકાસકારો અને આવી બધી નિકાસોમાં કન્સાઈની યુએસએમાં ગેટ માય રગ્સ એલએળસી અથવા કિકા હોમ કલેકશન ઈન્ક, અથવા બીબીએચ હોમ્સ હતા અને ખરીદદારો દુબઈના યુએઈ સ્થિત મેક્સક્રાફ્ટ જનરલ ટ્રેડિંગ એલએલસી અથવા આરસીએલ ટ્રેડિંગ એફઝેડઈ હતી.

ડિસેમ્બર 2020માં કથિત નિકાસકારોનાં અમુક નિકાસ કન્સાઈનમેન્ટ જપ્ત કરાયાં હતાં, જે પછી આરોપી સહિત કાકા ઓવરસીઝ લિ. અને સાત અન્ય નોટિસીઓને કારણ દર્શાવો નોટિસ આપવામાં આવી હતી. ગેટ માય રગ્સના વેપાર વિકાસના સિનિયર મેનેજર અને ભારતમાં શોભા વુલન્સ પ્રા. લિ.ના વેપાર વિકાસના સિનિયર મેનેજર વિક્રમ બઘેલે ગેટ માય રહ્સ એલએલસી યુએસએમાં નોંધણી કરી હતી અને તેની વેપાર પ્રવૃત્તિઓ તે જ સંભાળતો હતો.

આથી તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો, પરંતુ તે આવતો નહોતો. 13 એપ્રિલે તે યુએસએ જતો હતો ત્યારે દિલ્હી એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસર દ્વારા અટકાયતમાં લેવાયો હતો, જે પછી ડીઆરઆઈની મુંબઈ ઓફિસમાં બોલાવીને 14, 15 એપ્રિલે પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે રૂ. 50 કરોડનો ડ્યુટી ડ્રોબેકનો ખોટી રીતે લાભ લીધો હોવાનું કબૂલ કર્યું હતું.

ગેટ માય રગ્સ એલએલસી અને બીબીએચ હોમ્સ સંબંધમાં યુએસએમાં માલોની આયાત કિંમત ભારતમાં કથિત નિકાસકારો દ્વારા નિકાસના સમયે જાહેર કરાતા માલોના મૂલ્ય કરતાં બહુ ઓછી હતી. આને આધારે પછી સરકાર પાસેથી ડ્યુટી ડ્રોબેકનો લાભ લેવામાં આવતો હતો, એમ ડીઆરઆઈનાં સૂત્રોએ જણાવ્યું હતું. આ એક મોડી સિન્ડિકેટ છે અને બઘેલ તેનો સૂત્રધાર છે. આવી વધુ પ્રવૃત્તિઓ થઈ છે અને વધુ ડ્યુટી ડ્રોબેકનો લાભ લેવાયો છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...