અમરાવતીના સાંસદ નવનીત રાણા અને બાડનેરના વિધાનસભ્ય રવિ રાણાની જામીન અરજી પર બુધવારે મુંબઈ હાઈ કોર્ટમાં સુનાવણી થઈ હતી. તેમના વકીલ રિઝવાન મર્ચન્ટે પોતાની બાજુ રજૂ કરવા માટે સમય માગ્યો હતો. આથી કોર્ટે લગભગ એક મહિના માટે સુનાવણી પાછળ ઠેલી છે. હવે 15 જૂને સુનાવણી થશે. આથી જામીન રદ થઈને ધરપકડની માથે લટકતી તલવારનો ભય હાલમાં ટળ્યો છે.
જામીન પર જેલની બહાર આવ્યા પછી રાણા દંપતીએ મિડિયા સાથે વાત કરીને શરતોનો ભંગ કર્યો હતો એવો દાવો સરકારી વકીલે કરીને તેમને ફરીથી પોલીસ કસ્ટડી આપવાની માગણી કરી હતી. તેની સામે રાણા દંપતીએ કોર્ટની કોઈ પણ શરતોનું ઉલ્લંઘન કર્યું નથી એવી દલીલ સાથે હાઈ કોર્ટમાં અરજી કરી છે.
જામીન આપતી વખતે હનુમાન ચાલીસા વિવાદ પર મિડિયા સાથે વાત નહીં કરવાની તાકીત કોર્ટે આપી હતી. જોકે રાણા દંપતીએ આ શરતોનું ઉલ્લંઘન કર્યું, એવું વિશેષ સરકારી વકીલ દીપક ઘરતે જણાવ્યું. આ સામે રિઝવાન મર્ચન્ટે દલીલ કરી કે કોર્ટની શરતો અનુસાર રાજદ્રોહ સંબંધી વિવાદ પર રાણા દંપતીએ કોઈ પણ વક્તવ્ય મિડિયા સામે કર્યું નથી.
ફક્ત જેલમાં થયેલી વર્તણૂકની માહિતી મિડિયાને આપી હતી. તે તેમનો અધિકાર છે. આથી જામીન રદ નહીં કરવા અને વિગતવાર બાજુ રજૂ કરવા માટે સમય આપો, એવી માગણી મર્ચન્ટે કરી હતી, જે કોર્ટે માન્ય રાખી હતી. સુનાવણી એક મહિનો મોકૂફ શા માટે : રાજદ્રોહ કાયદા અનુસાર હવે પછી ગુનો દાખલ નહી કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે.
આ પ્રકરણે હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તેનો ચુકાદો શું આવે છે તે જોવાનું મહત્ત્વપૂર્ણ રહેશે. આથી હાઈ કોર્ટે જામીન રદ કરવાની માગણી પર સુનાવણી એક મહિનો પાછળ ઠેલી છે. રાણા દંપતી, રાઉત પરિવાર લડાખમાં : રાણા દંપતી લડાખમાં છે. આથી સુનાવણીમાં તેઓ કોર્ટમાં હાજર રહ્યાં નહોતાં. ખાસ કરીને શિવસેનાના નેતા સંજય રાઉત પણ પરિવાર સાથે લડાખમાં છે. બંને વિદેશી મંત્રાલય સાથે સંલગ્ન સંસદીય સ્થાયી સમિતિના સભ્ય છે.
રાણીના જામીન મુશ્કેલીમાં શા માટે?
23 એપ્રિલે રાજદ્રોહના આરોપ હેઠળ રાણા દંપતીની ધરપકડ કરી હતી. મુંબઈ સેશન્સ કોર્ટે 2 મેના રોજ તેમને જામીન આપ્યા હતા. હનુમાન ચાલીસા વિવાદ વિશે મિડિયા સામે કશું બોલવું નહીં, આ પ્રકરણ પર પત્રકાર પરિષદ નહીં લેવી એવી શરતો કોર્ટે રાખીને જામીન મંજૂર કર્યા છે. જોકે 8 મેના રોજ લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાં જ રાણાએ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પર હલ્લાબોલ કર્યો હતો, જેને લઈ સરકાર વતી તેમના જામીન રદ કરવા કોર્ટમાં અરજી કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.