બદલાતા વાતાવરણની સ્થિતિને લીધે રાજ્યમાં અમુક ઠેકાણે વરસાદની નોંધ થઈ રહી છે. રાજ્યમાં ફરી એક વાર ઠંડીની લહેર આવી છે. ખાસ કરીને મુંબઈમાં પણ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે પણ ઠંડીની લહેર અનુભવવા મળી હતી. હવામાં ઠંડક મહેસૂસ થતી હતી. મુંબઈનું તાપમાન 17થી 20 ડિ.સે. દરમિયાન રહેશે, એવો અંદાજ હવમાન વિભાગે વર્તાવ્યો છે. સોમવારે સવારે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ ઠંડીથી ઠૂંઠવાતા જોવા મળ્યા હતા.
ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં વાતાવરણમાં ઠંડક રહેશે અને પારો હજુ નીચે આવી શકે એવો અંદાજ વ્યક્ત કર્યો છે. ઉત્તર બાજુથી આવનારા પવનને લીધે મુંબઈ, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.મુંબઈમાં સોમવારે ઠેકઠેકાણે ઠંડીનો પારો 17 ડિ.સે. પર પહોંચ્યો હતો. રાજ્યનાં અન્ય શહેરોમાં પણ 17 ડિ.સે. આસપાસ પારો જોવા મળ્યો હતો. જોકે મુંબઈમાં 17 ડિ.સે. સુધી પારો નીચે આવે તે નવી બાબત છે.વરિષ્ઠ હવામાન નિષ્ણાત કે એસ હોસાળીકરે મુંબઈની ઠંડી સંબંધમાં એક ટ્વીટ કર્યું છે.
તેમણે એક ફોટો પણ ટ્વીટ કર્યો છે. મધરાત્રે ટ્વીટ કરીને તેમણે મુંબઈગરા માટે હજુ એક ઠંડી સવાર અપેક્ષિત છે એમ કહ્યું છે. મુંબઈમાં અનેક ઠેકાણે પારો 20 ડિ.સે.થી નીચે ગયેલો જોવા મળી રહ્યો છે. અમુક ઠેકાણે 17 ડિ.સે. નોંધાયો છે. આગામી ત્રણ દિવસ પણ આવું જ રહેશે. મુંબઈમાં કોલાબા અને સાંતાક્રુઝ ખાતે હવામાન વિભાગના કેન્દ્ર પર રવિવારે લઘુતમ તાપમાન 19 ડિ.સે.એ પહોંચ્યંપ હતું. સાંતાક્રુઝમાં 18.2 ડિ.સે., જ્યારે કોલાબામાં 19.5 ડિ.સે. તાપમાનની નોંધ થઈ હતી.
મુંબઈમાં વાતાવરણમાં બદલાવ
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. સવારે ઠંડું વાતાવરણ અને બપોરે ગરમી લાગે છે. સાંજે વાતાવરણ ફરી ઠંડું શરૂ થાય છે. 8 જાન્યુઆરીના રોજ મુંબઈમાં અમુક ઠેકાણે વરસાદની નોંધ થઈ હતી. આ પછી ઠંડી ઓર વધી છે. સાંજના સમયે ઠંડો ઠંડો પવન ફૂંકાય છે. મુંબઈમાં કમોસમી વરસાદ પડ્યા પછી વાતાવરણ સ્વચ્છ બન્યું છે. તે પૂર્વે સવારે અને રાત્રે ધુમ્મસ છવાઈ જતું હતું, જે વરસાદ પડ્યા પછી સ્વચ્છ થઈ ગયું છે.
ખાંસી, શરદી, તાવના કેસ વધ્યા
દરમિયાન ડોક્ટરનાં દવાખાનાં દર્દીઓથી ઊભરાઈ રહ્યાં છે. ખાસ કરીને ગળામાં ખણવું, શરદી, ખાંસી, તાવ, ઠંડી જેવી ફરિયાદો આવી રહી છે. આખા પરિવારને આ બીમારીઓ લાગી રહી છે. ડોક્ટરો દ્વારા એક દિવસની દવા આપવામાં આવે છે, જેમાં સારું નહીં લાગે તો કોરોનાની તપાસ કરાવાની લેવાની સલાહ આપવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.