મુંબઈમાં ઝડપથી વધતી દર્દીઓની સંખ્યા રોકવા માટે મહાપાલિકા અનેક ઉપાયયોજના કરી રહી છે. હવે હોમ ક્વોરન્ટાઈનના નિયમ તોડનારાના હાથ પર સિક્કો મારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ફરિયાદ મળ્યા બાદ સંબંધિત બાધિત અથવા નજીકના સંપર્કમાં લોકોની રવાનગી મહાપાલિકાના ક્વોરન્ટાઈન સેંટરમાં કરવામાં આવશે.
દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે અનેક જણ હોમ ક્વોરન્ટાઈનના નિયમ તોડી રહ્યા હોવાથી જોખમ વધી રહ્યું છે. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે એમ અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. મુંબઈમાં હાલની સ્થિતિમાં લગભગ સાડા છ લાખથી વધુ લોકો હોમ ક્વોરન્ટાઈન છે.
મુંબઈમાં ડિસેમ્બરના અંતથી કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઈ છએ. ડિસેમ્બરની શરૂઆતમાં 150 સુધી નીચે આવેલી દર્દીઓની દૈનિક સંખ્યા હવે 20 હજારથી વધુ થઈ છે. એના લીધે મુંબઈમાં ટેન્શન વધ્યું છે. હાલની સ્થિતિમાં મુંબઈમાં નોંધાતા દર્દીઓમાંથી 90 ટકા બાધિતોમાં લક્ષણો દેખાતા નથી. જોકે આવા કોરોનાગ્રસ્તો અને તેમના નજીકના સંપર્કમાં આવેલા લોકો દ્વારા હોમ ક્વોરન્ટાઈનના નિયમ પાળવામાં આવતા ન હોવાથી મહાપાલિકાએ સખતાઈથી નિયમની અમલબજાવણી કરાવવાનો નિર્ણય લીધો છે.
ક્વોરન્ટાઈનના નિયમ તોડનારાઓ પર કાર્યવાહી કરવાનો અધિકાર દરેક વોર્ડના ફિલ્ડ ઓફિસરને આપવામાં આવ્યો છે. ક્વોરન્ટાઈનના નિયમ પાળવામાં આવે છે કે નહીં એના પર નજર રાખવાની જવાબદારી સોસાયટીના પદાધિકારીઓને સોંપવામાં આવી છે. એમાં નિયમ તોડ્યાનું જણાતા અને ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવશે. કોરોનાની બંને લહેરમાં હોમ ક્વોરન્ટાઈનના હાથ પર સિક્કો મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત નિયમ તોડનારાઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે બીજી લહેર અંકુશમાં આવ્યા પછી આ કાર્યવાહી બંધ કરવામાં આવી હતી.
મહાપાલિકાની નિયમાવલી
મહાપાલિકાના નિયમ અનુસાર હાલની સ્થિતિમાં લક્ષણો વિનાના દર્દીઓને હોમ ક્વોરન્ટાઈનની પરવાનગી છે. ઉપરાંત કોરોનાગ્રસ્ત કે નજીકના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના ઘરે સુવિધા ન હોય તો મહાપાલિકાના ક્વોરન્ટાઈન સેંટરમાં સુવિધા મળે છે. ઝૂપડપટ્ટીઓમાં કોરોનાગ્રસ્ત કે નજીકના સંપર્કના વ્યક્તિઓને પૂરતી જગ્યા મળતી ન હોવાથી એવા લોકો માટે મહાપાલિકાએ દરેક વોર્ડમાં એક ક્વોરન્ટાઈન સેંટર શરૂ કર્યું છે. એમાં દરેકમાં ઓછામાં ઓછા 500 બેડ તૈનાત રાખવામાં આવ્યા છે. લક્ષણો વિનાના દર્દીઓ માટે મહાપાલિકાનું 40 હજાર બેડ તૈયાર રાખવાનું નિયોજન છે. હોમ ક્વોરન્ટાઈન વ્યક્તિ પર મહાપાલિકાના ફિલ્ડ ઓફિસર અને વોર્ડ વોર રૂમના માધ્યમથી નજર રાખવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.