વિવાદ:સીએમ ઉદ્ધવ ઠાકરેની 14 મેની સભાના ટિઝરમાં મનસેની સભાનો ફોટો મુકાયો

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવક્તા ગજાનન કાળેએ શિવસેના પર ‘ચોર સેના’ સહિતના આરોપ કરતાં ટિઝર પાછું ખેંચાયું

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ દાવો કર્યો હતો કે શિવસેનાના ટિઝરમાં મનસેની સભાની ગિરદીવાળા દ્રશ્યનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મનસે પ્રવક્તા ગજાનન કાળેએ સંબંધિત વિડિયો અને ફોટો ટ્વીટ કરીને આ દાવો કર્યો હતો. આ સાથે શિવસેના પર મનસેના નગરસેવકોની ચોરી કરવાનો અને હવે શિવસેના દ્વારા ફોટો ચોરવાનો આરોપ લગાવ્યો છે.

મનસે પ્રમુખ રાજ ઠાકરેની હિંદુત્વ, લાઉડસ્પીકર સહિતના મુદ્દાઓ પર સભાઓનો જવાબ આપવા માટે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે 14મી મેએ સભાને સંબોધવાના છે. શિવસેનાએ આ બેઠકનું ટિઝર બુધવારે જારી કર્યું હતું. આ વિડિયો શિવસેનાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.

મનસેના પ્રવક્તા ગજાનન કાળેએ દાવો કર્યો કે શિવસેનાના વિડિયોમાં રાજ ઠાકરેની શિવાજી પાર્ક ખાતેની સભાના ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે શિવસેનાએ મનસેના નગરસેવકો ચોર્યા પછી ફોટો ચોરવાનું શરૂ કર્યું છે. શું શિવસેનાએ આત્મવિશ્વાસ ગુમાવ્યો છે? શું શિવસેના હતાશ છે? એવા પ્રશ્ન ગજાનન કાળેએ પૂછ્યા હતા. તેમણે માગણી કરી કે શિવસેનાએ તેનું નામ બદલીને “ચોર સેના’ કરવું જોઈએ.

દરમિયાન, મનસે દ્વારા કરવામાં આવેલા આ દાવા બાદ શિવસેનાએ વિડિયો હટાવવાની ફરજ પડી હતી. શિવસેનાની બેઠકનું તે ટિઝર વિવાદ પછી બુધવારે સાંજે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.

શું હતું શિવસેનાના ટિઝરમાં?
શિવસેનાએ બીકેસીમાં 14 મેના રોજ યોજાનારી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની જાહેર સભાનું ટિઝર ટ્વીટ કર્યું હતું. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના ભાષણના અંશોનો ઉપયોગ કરીને સભાનું ટિઝર તૈયાર કરવામાં આવ્યું હતું. હું ચોક્કસપણે શિવસેના પ્રમુખ છું, પરંતુ તમારી તાકાત મારી સાથે છે, તેથી હું શિવસેના પ્રમુખ છું.

ટિઝરમાં શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના ભાષણના આ અંશોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમ જ સાહેબમાં આસ્થા ધરાવનાર દરેક શિવસૈનિકે સાચા હિંદુત્વનો પોકાર સાંભળવો જ જોઈએ એવો અનુરોધ કરવામાં આવ્યો છે. 14મી મેએ શિવસેનાની સભા છે અને ઉદ્ધવ ઠાકરે તેને સંબોધશે. મારા મનમાં શું છે તે હું કહેવા જઈ રહ્યો છું. મનમાં કેટલીક વાતો છે જે બોલવાની છે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ 14મી મેએ ઘણા લોકોના ચહેરા પરનો નકાબ હટાવી દેશે.

અન્ય સમાચારો પણ છે...