આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર:મુંબઈ સહિત રાજ્યમાં નાગરિકો સખત ગરમીથી હેરાન પરેશાન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લૂના કારણે 11 લોકોના મૃત્યુ, દર્દીઓમાં 8 ટકાનો વધારો

એપ્રિલ મહિનામાં આવી ગરમી છે અને હજી તો મે મહિનો આખો બાકી છે, ભગવાન જાણે શું થશે એવી વાત કરતા મુંબઈગરાઓ દેખાઈ રહ્યા છે. પરસેવે રેબઝેબ અને હાથમાં ભીનો રૂમાલ લઈને મુંબઈગરાઓ કામ પર જઈ રહ્યા છે. મુંબઈ સહિત આખા રાજ્યમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે જ આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે.

રાજ્યની સરકારી, ખાનગી હોસ્પિટલોને સાવચેત રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવા ઉકળાટભર્યા દિવસોમાં રાહતદાયક વાત એક જ છે કે આ વર્ષે 99 ટકા વરસાદ પડશે એવો પહેલો અંદાજ હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે. મુંબઈના તાપમાનમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. એમાં તાપમાન સાથે ભેજનું પ્રમાણ વધુ હોવાથી શરીરમાંથી વધુ પરસેવો વહી જતા મુંબઈગરાઓ હેરાન થઈ રહ્યા છે. એના લીધે ચક્કર, ઉલટી, જુલાબ જેવી તકલીફ મુંબઈગરાઓને થઈ રહી છે એવી માહિતી જે. જે. હોસ્પિટલના મેડિસિન વિભાગના ટીમપ્રમુખ ડો. મધુકર ગાયકવાડે આપી હતી. 7 થી 8 ટકા દર્દીઓ લૂ અને સખત ગરમીના કારણે હોસ્પિટલમાં આવી રહ્યા છે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

દર વર્ષે રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે તાપમાનના પારાએ 40 ડિગ્રી સેલ્સિયશનો આંકડો પાર કર્યો છે અને આખા રાજ્યમાં લૂના વાયરા વાઈ રહ્યા છે. 100થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આરોગ્ય યંત્રણા એલર્ટ થઈ ગઈ છે. તમામ મહાપાલિકા, નગરપાલિકાને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. એ જ પ્રમાણે જિલ્લા મુજબ સમન્વય સમિતિઓ નિમવાની સૂચના મહાપાલિકા કમિશનરને આપવામાં આવી છે.

લૂ માટે કૃતિ રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી હોવાની માહિતી આરોગ્ય વિભાગના અપર મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસે આપી છે. રાજ્યની આ સ્થિતિ પર આરોગ્ય વિભાગનું ધ્યાન છે એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું. અત્યારે સુધી રાજ્યમાં લૂના કારણે કુલ 11 જણના મૃત્યુ થયા છે. એમાં ધારાશીવમાં 1, હિંગોલીમાં 1, જાલનામાં 1, ઔરંગાબાદમાં 1, જલગાવમાં 3, અકોલામાં 1, અમરાવતીમાં 1, નાગપુરમાં 2 જણના મૃત્યુ થયા છે.

સ્વતંત્ર વોર્ડ તૈયાર રાખવાનો આદેશ
ગરમી કે લૂનો સખત ત્રાસ થાય, ખાસ કરીને વિદર્ભ અને મરાઠવાડામાં લુના કારણે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યુ હોવાથી લૂ માટે કૃતિ રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. એના અંતર્ગત નાગરિકોનું લૂથી સંરક્ષણ કરવા માટેના માર્ગદર્શક ધોરણ નક્કી કરવામાં આવી રહ્યા છે. એવી સૂચના મહાપાલિકા, નગરપાલિકાઓને આપવામાં આવી છે. લૂની પરિસ્થિતિ સંભાળવા નોડલ અધિકારી નિમવામાં આવશે. હોસ્પિટલમાં આવા દર્દીઓ માટે સ્વતંત્ર વોર્ડ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.

પ્રતિબંધાત્મક ઉપાય
ગરમી વધે એટલે સતત પાણી પીવું જરૂરી છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી સાકર અને ચપટી મીઠું નાખીને પીવામાં આવે તો એ ઉતમ છે. જોકે ઘણી સાકરવાળા પીણાં ટાળવા જોઈએ. લાઈટ કલરના, સુતરાઉ કપડા પહેરવા. તડકામાં બહાર જતા સમયે ગોગલ્સ, ટોપી અને છત્રીનો ઉપયોગ કરો. પરસેવો શરીર પર જ સૂકાઈ ન જાય એનું ધ્યાન રાખો. કપાળ પર ઠંડા પાણીની પટ્ટીઓ, આઈસ પેક રાખવા. આખા દિવસમાં 5 થી 6 લીટર પાણી પીવું. બપોરે વ્યાયામ કરવાનું ટાળવું. થોડા થોડા સમયે છાયડામાં ઊભા રહો.

શું સારવાર કરવી?
ગરમી કે લૂના કારણે ચક્કર આવે તો છાયડામાં એ વ્યક્તિને લઈ જવી. ખુલ્લી હવા આવવા દેવી. તાવ વધે તો ઠંડા પાણીથી શરીર લુછવું. તરસ ન લાગી હોય તો પણ પાણી, નારિયેળ પાણી થોડા થોડા સમયે પીવા માટે આપવું. શરીરનું તાપમાન 104 ફેરનહીટ કે 40 ડિગ્રી સેલ્સિયશ કરતા વધે એટલે સ્નાયુ, કિડની, મગજ અથવા હ્રદય પર અસર થવાની શરૂઆત થાય છે. એના લીધે સખત પીળા રંગનો પેશાવ થવો, માથાનો દુખાવો કે ચક્કર આવે તો તરત નજીકની હોસ્પિટલમાં જાવ.

અન્ય સમાચારો પણ છે...