પુણેના બાળ ગંધર્વ રંગમંદિરમાં ફોટોગ્રાફર અક્ષય માળીનું તસવીરી પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં મોડેલોની નગ્ન તસવીરો મુકાતાં નાગરિકોએ માળીને ફોન પર ધમકી આપી હતી. પ્રદર્શનમાં સામેલ ફોટોગ્રાફ્સને “નગ્ન’ ગણાવીને સોશિયલ મિડિયામાં પણ તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આયોજકોએ સોમવારે તેને બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ પ્રદર્શન 7મી જાન્યુઆરીથી શરૂ થયું હતું અને સોમવારે સાંજે તેનો છેલ્લો દિવસ હતો, પરંતુ સવારે જ બંધ કરી દેવાની ફરજ પડી હતી.
રંગમંદિર આર્ટ ગેલેરીના પ્રભારી સુનીલ માટેએ જણાવ્યું હતું કે, ફોટોગ્રાફર અક્ષય માળીના ફોટોગ્રાફમાં નગ્નતા જોવા મળી હોવાથી તેના ફોટો પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાળ ગંધર્વ રંગમંદિર ખાતે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. માટેએ વધુમાં ઉમેર્યું હતું કે ફોટોગ્રાફર અક્ષય માળીએ પ્રદર્શનની સામગ્રી વિશે મેનેજમેન્ટને અગાઉથી જાણ કરવી જોઈતી હતી. તેઓએ તેમ ન કર્યું, તેથી અમારે તેની પર રોક લગાવવી પડી હતી.
મોડેલ્સની ન્યૂડ તસવીરો હતી : સુનિલ માટેએ કહ્યું કે, અમે આવા કોઈ પ્રદર્શનને મંજૂરી આપતા નથી, જેનાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે. આર્ટ ગેલેરીમાં આવી નગ્નતા યોગ્ય નથી લાગતી. માટેએ કહ્યું કે જ્યારે તેને ફોટોગ્રાફ્સ અને તેના વિષયની જાણ થઈ ત્યારે કલાકારને ફોટોગ્રાફ્સ દૂર કરવા માટે કહેવામાં આવ્યું.
શુક્રવારે જેએમ રોડ પરની આર્ટ ગેલેરીમાં માળીના ફોટોગ્રાફ્સનું ત્રણ દિવસનું પ્રદર્શન યોજાયું હતું, પરંતુ રવિવારે તેને દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું. માળીએ કહ્યું કે, પ્રદર્શનની થીમ ‘ઇટ્સ મી’ હતી જેમાં કલાની સીમાઓ તોડી નાખવામાં આવી હતી. આ પ્રદર્શનમાં પ્રકૃતિની વચ્ચે લીધેલા અન્ય મોડલ્સના નગ્ન ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવ્યા હતા.
કલાના કોઈ નિયમો હોતા નથીઃ ફોટોગ્રાફર
પોતાના કેમેરા વડે આ તસવીરો શૂટ કરનાર અક્ષય માળીએ કહ્યું, “શનિવારે આર્ટ ગેલેરીના મેનેજમેન્ટના કેટલાક લોકોએ આ તસવીરો સામે વાંધો ઉઠાવ્યો હતો, અને તેને હટાવવાનું કહ્યું હતું. માળીએ કહ્યું કે જ્યારે મેં સ્લોટ બુક કર્યો ત્યારે મેં મેનેજમેન્ટને “નગ્ન થીમ’ વિશે જણાવ્યું ન હતું. મેં ફક્ત એટલું કહીને સ્લોટ બુક કરાવ્યો હતો કે તે ઓનલાઈન ફોટોગ્રાફી એક્ઝિબિશન હશે. માળીએ કહ્યું કે, આ પ્રથમ વખત હતો જ્યારે હું આર્ટ ગેલેરીમાં મારા ફોટોગ્રાફ્સ બતાવી રહ્યો હતો, પરંતુ મેં કલ્પના કરી નહોતી કે મારા કલાત્મક સર્જનોને આવા વિરોધનો સામનો કરવો પડશે. કળાને કોઈ નિયમો કે મર્યાદા હોતી નથી, પરંતુ તેને ચોક્કસ માળખા સુધી મર્યાદિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. અક્ષયે વધુમાં કહ્યું કે તે ભવિષ્યમાં પણ આવા પ્રદર્શનોનું આયોજન કરવાનું ચાલુ રાખશે. આમાંથી સમાજની માનસિકતા બહાર આવી રહી છે, તેમ કહીને તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.