રાહત:ઈલેકટ્રિક વાહનોને ચાર્જિંગ કરવા રાત્રે સસ્તી વીજળી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરેલુ વીજ દર કરતા પણ ઓછા દર હોવાથી રાહત

ઈલેકટ્રિક વાહનોના વપરાશને રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે ત્યારે હવે મહાવિતરણે પણ એમાં મદદરૂપ થવાનો નિર્ણય લીધો છે. એ અનુસાર વીજ માગણી ઓછી હોય એ સમયે એટલે કે રાતના ઈલેકટ્રિક વાહનને સસ્તી વીજ પૂરી પાડવામાં આવશે. એના માટે યુનિટ દીઠ દર 4 રૂપિયા 50 પૈસા રહેશે. ઘરગથ્થુ વીજ ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી વીજ કરતા પણ આ દર ઓછા હોવાથી ઈલેકટ્રિક વાહનધારકોને રાહત મળશે.

વીજ પર ચાલતા વાહનોના ચાર્જિંગ માટે પૂરી પાડવામાં આવતી યુનિટ દીઠ વીજનો દર 5 રૂપિયા 50 પૈસા નિશ્ચિત કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય શહેરો સહિત હાઈવે પર ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા માટે સવલત આપવામાં આવે છે. આ પાર્શ્વભૂમિ પર મહાવિતરણ મુંબઈ મહાનગર પ્રાદેશિક ક્ષેત્રમાં 18 ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે જેમાંથી 4 મુંબઈમાં, 6 થાણેમાં, 4 નવી મુંબઈમાં અને પનવેલમાં 4 સ્ટેશન હશે. એમાંથી સાત સ્ટેશનનું કામ પૂરું થયું છે.

આ તમામ ચાર્જિંગ સ્ટેશન ચોવીસ કલાક ખુલ્લા રહેશે. દરમિયાન રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી વીજની માગ ઓછી હોવાથી ઈલેકટ્રિક વાહનધારકોને સવલતના દરે વીજ પૂરી પાડવામાં આવશે એમ મહાવિતરણના એક અધિકારીએ જણાવ્યું હતું. આગામી બે વર્ષમાં રાજ્યમાં 500 ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાની તૈયાર કરી છે.

અન્ય સમાચારો પણ છે...