કાંદિવલીની હિરાનંદાની હેરિટેજ હાઉસિંગ સોસાયટી ખાતે બોગસ રસીકરણ શિબિર યોજવાના પ્રથમ કેસમાં પોલીસે બોરીવલી મેજિસ્ટ્રેટ કોર્ટ સામે 2000 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. રસીની શીશીઓમાં ચોક્કસ શું હતું તેના ફોરેન્સિક અહેવાલની વાટ જોવાઈ રહી છે, પરંતુ રસીને બદલે મીઠાનું પાણી (સલાઈન) આપવામાં આવ્યું હોવાનું સ્થાપિત કરવા માટે પોલીસે આરોપીઓનાં નિવેદનો સાથે સાંયોજિક પુરાવાઓનો આધાર લીધો છે.
નોંધનીય છે કે મુંબઈ હાઈ કોર્ટમાં આ પ્રકરણની જાહેર હિત અરજીની સુનાવણીમાં રાજ્ય સરકારે ખાતરી આપી હતી કે બોગસ રસીકરણ શિબિરમાં બે સપ્તાહમાં ચાર્જશીટ દાખલ કરાશે. કુલ 11 આરોપીનાં નામ ચાર્જશીટમાંછે. તેમાં કાંદિવલી ચારકોપની શિવમ હોસ્પિટલના માલિક ડો. શિવરાજ પટારિયા અને તેની પત્ની નીતા પટારિયા, માસ્ટરમાઈન્ડ મહેન્દ્ર સિંહ, અંધેરી પશ્ચિમની કોકિલાબેન હોસ્પિટલના ભૂતપૂર્વ અધિકારી રાજેશ પાંડે, ઈવેન્ટ મેનેજર સંજય ગુપ્તા, પ્લેસમેન્ટ સંસ્થાના માલિક ડો. મનીષ ત્રિપાઠી, તેના વિદ્યાર્થી કરીમ અલી, શિવમના વહીવટકર્તા રાહુલ દુબે અને ત્રણ ડેટા એન્ટ્રી ઓપરેટરો ગુડિયા યાદવ, ચંદન એસ અને નીતિન મોડનો સમાવેશ થાય છે.
ચાર્જશીટમાં નાણાં લેતીદેતીની નોંધ : ચાર્જશીયમાં નાણાંની લેતીદેતી કઈ રીતે થઈ તેની વિગતો અપાઈ છે. મહેન્દ્ર સિંહ દ્વારા હિરાનંદાનીના રહેવાસીઓ પાસેથી કુલ રૂ. 5 લાખ ભેગા કરવામાં આવ્યા હતા. શિબિર પાંડેએ યોજી હતી, જેણે કોકિલાબેન હોસ્પિટલ વતી યોજી રહ્યો છે એમ જણાવ્યું હતું. બાદમાં તેની પોલ ખૂલતાં જ હોસ્પિટલે હકાલપટ્ટી કરી હતી. આરોપીઓ સામે સદોષ મનુષ્યવધ કરવાનો પ્રયાસ, આપત્તિ વ્યવસ્થાપન ધારા, ડ્રગ્સ એન્ડ કોસ્ટમેટિક્સ એક્ટ અને એપિડેમિક એક્ટ એમ અનેક કલમો આરોપીઓ સામે લગાવવામાં આવી છે.
500 સાક્ષીદારનાં નિવેદન નોંધ્યા
પોલીસે જણાવ્યું કે આ કેસમાં 500 સાક્ષીદારનાં નિવેદન નોંધ્યાં છે, જેમાં 30 મેએ જ્યાં બોગસ રસીકરણ શિબિર યોજાઈ હતી તે હિરાનંદાની હેરિટેજ સોસાયટીના 390 રહેવાસીઓનો સમાવેશ થાય છે. ત્રિપાઠીના બે સ્ટુડન્ટ રોશની પટેલ અને અજિત બેનવાસી સહિત છ સાક્ષીદારોના ન્યાયાલયીન નિવેદનની નોંધ કરવામાં આવી છે. રોશની અને અજિતને સલાઈન વોટરનું ઈન્જેકશન આપવા માટે રોકવામાં આવ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.