બદલી:સુશાંતથી આર્યન ખાન સુધી પ્રકરણ ગજાવનારા વાનખેડેની અંતે બદલી

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમીર વાનખેડે આઈઆરએસ કેડરમાં પાછા જશે

સુશાંતસિંહ રાજપૂત કેસમાંથી બહાર આવેલા ડ્રગ્સનાં પાસાં અને અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ સાથે છેલ્લા કેટલાક સમયથી દેશઆખામાં ચર્ચિત નામ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈ ઝોન ડાયરેક્ટર સમીર વાનખેડેની આખરે બદલી કરવામાં આવી છે.

તેમની સોમવારથી દિલ્હીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)માં બદલી કરવામાં આવી છે. 31 ડિસેમ્બરે તેમનો એનસીબીનો કાર્યકાળ પૂરો થયો હતો.ઓગસ્ટ 2020માં તેઓ એનસીબીમાં આવ્યા તે પછી અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શૌવિક, કોમેડિયન ભારતી સહિત અનેક કલાકારોની ધરપકડ કરી હતી.

દીપિકા પદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર સહિત અનેક કલાકારોની પૂછપરછ કરી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસના મંત્રી નવાબ મલિકના જમાઈની પણ ધરપકડ કરી હતી. જોકે ક્રુઝ પર દરોડા બાદ આર્યન ખાનની ધરપકડ કર્યા બાદ મલિકે એકધારી રીતે વાનખેડે અને તેમના પરિવારને લક્ષ્ય બનાવ્યા હતા, જેને લઈ તેઓ દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા.

વાનખેડે આઈઆરએસ (ઈન્ડિયન રેવેન્યુ સર્વિસ) ઈનડાયરેક્ટ ટેક્સીસ અને કસ્ટમ્સની બે કેડરના છે. એક, આઈઆરએસ (ઈન્કમ ટેક્સ), જ્યાં આઈઆરએસ અધિકારીઓની નિયુક્તિ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ વિભાગમાં થાય છે, જ્યારે બીજી કેડરમાં કસ્ટમ્સ અને ઈનડાયરેક્ટ ટેક્સીસ આવે છે, જે અધિકારીઓની સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સમાં નિયુક્તિ થાય છે.

કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્યઃ મલિક
દરમિયાન મલિકે જણાવ્યું કે વાનખેડેની બદલીનો કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્ય છે. એનસીબીમાં આવ્યા પછી ફર્જીવાડા કરીને અનેક સારા લોકોને ખોટી રીતે જેલમાં નાખ્યા. નોકરી મેળવવા ફર્જી પ્રમાણપત્ર લઈને નોકરી લીધી. ઓછી ઉંમરમાં બારનું લાઈસન્સ મેળવ્યું આ બધાં પ્રકરણ ખુલ્લાં કર્યાં. તેની તપાસ ચાલે છે. ખંડણીના પ્રકરણમાં બે એસઆઈટી તપાસ કરે છે. દિલ્હી વિજિલન્સ સમિતિ પાસે ફરિયાદ કર્યા પછી એવો જવાબ મોકલ્યો છે કે પ્રથમદર્શી વાનખેડેએ સર્વિસ કોડનું ઉલ્લંઘન કર્યું છે એવું સ્પષ્ટ થાય છે. આ બધા પ્રકરણોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી ફોલો-અપ કરતો રહીશ.

અન્ય સમાચારો પણ છે...