ડ્રગ્સ પાર્ટી કેસ બાદ શાહરુખ ખાનના પુત્ર આર્યનને છોડાવવા માટે રૂ. 18 કરોડની ડીલ થઈ હતી એવા આરોપની તપાસ કરતી મુંબઈ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ને હવે શાહરુખની મેનેજર પૂજા દદલાનીની કાર સાથેનું ડીલના દિવસનું સીસીટીવી ફૂટેજ મળી ગયું છે.આને આધારે એસઆઈટી વધુ તપાસ કરી રહી છે. ડીલમાં મધ્યસ્થી રહેલા સેમ ડિસોઝાએ એવો દાવો કર્યો હતો કે આર્યનને છોડાવવા માટે પૂજાએ રૂ. 50 લાખ ગોસાવીને આપ્યા હતા. આ ડીલ લોઅર પરેલ ખાતે થઈ હતી એવો આરોપ થયો હતો.
આ પછી એસઆઈટીએ લોઅર પરેલમાં જ્યાં ડીલ થઈ હોવાનું મનાય છે ત્યાં સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે, જેમાં પૂજાની બ્લુ રંગની મર્સિડીઝ કારનું ફૂટેજ હાથ લાગ્યું છે. તેની બાજુમાં એક ઈનોવા કાર છે, જે કિરણ ગોસાવીની હોવાનું માનવામાં આવે છે, જે તપાસ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.નોંધનીય છે કે ગોસાવીના બોડીગાર્ડ અને પંચ સાક્ષીદાર નં. 1એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ક્રુઝ પર દરોડા પછી પૂજા અને ગોસાવી લોઅર પરેલમાં મળ્યાં હતાં, જ્યાં પછી ગોસાવી પૂજાની બ્લુ રંગની મર્સિડીઝમાં 15 મિનિટ સુધી બેઠેલો હતો. તે સમયે જ તેમની વચ્ચે ડીલ થઈ હોવાનું માનવામાં આવે છે.
દરમિયાન પુરાવા સિદ્ધ થાય તો એસઆઈટી દ્વારા કિરણ ગોસાવી સામે ખંડણીનો ગુનો દાખલ કરાશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન ધરપકડ પછી આર્યનના છુટકારા માટે શાહરુખની મેનેજર પૂજા દદલાની અને આર્યન સાથેની સેલ્ફી વાઈરલ કરનારો કિરણ ગોસાવી વચ્ચે સોદાબાજીમાં વચેટિયાની ભૂમિકા ભજવવાનો આરોપ છે તે સેમ ડિસોઝાએ મુંબઈ પોલીસ દ્વારા ધરપકડથી બચવા માટે મુંબઈ હાઈ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
સેમ ડિસોઝાની અરજી ફગાવાઈ : સેમની અરજી જસ્ટિસ સુરેન્દ્ર તાવડેની કોર્ટમાં સુનાવણીમાં આવતાં જ તુરંત ફગાવી દેવામાં આવી હતી. અરજદારે પહેલાં સેશન્સ કોર્ટમાં જઈન દાદ માગવી જોઈએ, એવા નિર્દેશ જજે આપ્યા હતા. એનસીબી અધિકારી અને અન્ય ખાનગી વ્યક્તિઓ વિરુદ્ધ કથિત ખંડણીની ફરિયાદની તપાસ કરવા માટે રાજ્ય સરકારે વિશેષ તપાસ ટુકડી (એસઆઈટી)ની સ્થાપના કરી છે. સત્તાધારી સરકારમાંના અમુક રાજકીય નેતાઓએ પત્રકાર પરિષદમાં મારું નામ લીધું છે અને તેથી ધરપકડના ડરથી ડિસોઝાએ ધરપકડ પૂર્વ જામીન માટે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ નહીં મળી આવ્યું હોવાથી તેના છુટકારા માટે ગોસાવીને રૂ. 50 લાખ આપવામાં આવ્યા હતા એવા કેસના સાક્ષીદાર નંબર 1 પ્રભાકર સાઈલના આરોપ સાથે અમુક અંશે ડિસોઝાનું નિવેદન મળતું આવે છે. જોકે તેણે પોતે કશું ખોટું કર્યું નથી અને આર્યનની ધરપકડના ચોંકાવનારા સમાચાર આવ્યા પછી તે લાંચના પૈસા દદલાનીના પતિ થકી દદલાની પાછા મળે એવી ખાતરી રાખી હતી એવો દાવો ડિસોઝાએ કર્યો છે.
ડિસોઝાએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને ક્લીન ચિટ આપી હતી, જ્યારે આ પ્રકરણમાં કિરણ ગોસાવી અને સાઈલ પોતે જ ઠગ છે એવો દાવો કર્યો હતો.અગાઉ સાઈલે ફોન પર સાંભળેલા વાર્તાલાપને આધારે દાવો કર્યો હતો કે આર્યનને છોડાવવા માટે રૂ. 18 કરોડનો સોદો થયો હતો, જેમાંથી રૂ. 8 કરોડ વાનખેડેને અને બાકી અન્યોમાં વહેંચાઈ જવાના હતા. સાઈલે એનસીબી અધિકારીએ 10 કોરા કાગળ પર સહી લીધી હોવાનો પણ આરોપ કર્યો હતો. સાઈલ વળી ગોસાવીનો બોડીગાર્ડ હતો.
ડિસોઝાએ શું માગણી કરી હતી
ડિસોઝા વતી વકીલે કોઈ પણ કઠોર પગલાં લેવાના ત્રણ દિવસ પૂર્વે સૂચના આપવી અને આગોચરા જામીન માટે અરજી કરવામાં આવી છે. આ પ્રકરણમાં ખંડણીના આરોપ પછી મહારાષ્ટ્ર સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) રચી છે, જેના દ્વારા ધરપકડની બીક ડિસોઝાને છે. ગોસાવી હાલમાં પુણેમાં છેતરપિંડીના કેસમાં કસ્ટડીમાં છે. અગાઉ હાઈ કોર્ટે વાનખેડેને તેમની સામે કોઈ પણ કઠોર પગલાં લેવાના ત્રણ દિવસ પૂર્વે સૂચના અપાશે એવો આદેશ એસઆઈટીને આપ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.