તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

100 કરોડની હપ્તા વસૂલી કેસ:CBIના સબ ઈન્સ્પેક્ટરે I- ફોન માટે દેશમુખનો ગોપનીય રિપોર્ટ લીક કર્યો

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમુખના વકીલ પાસેથી 1 લાખનો આઈફોન લઈને ડિપાર્ટમેન્ટ સાથે ગદ્દારી, રિપોર્ટમાં દેશમુખને ક્લીન ચિટ અપાઈ છે

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગુહમંત્રીના રૂ. 100 કરોડની હપ્તા વસૂલીના કેસમાં તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ એજન્સી (સીબીઆઇ)ના સબ-ઇન્સ્પેક્ટર અભિષેક તિવારીની ધરપકડ બાદ હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તિવારીએ આઇફોન 12 પ્રો લઈને અનિલ દેશમુખનો તપાસ રિપોર્ટ લીક કર્યો હતો. આ તપાસ રિપોર્ટમાં અનિલ દેશમુખને ક્લીન ચિટ આપવામાં આવી છે એવાં ચેડાં કરવામાં આવ્યાં હતાં.

આ જ કેસમાં દેશમુખના વકીલ આનંદ ડાગાની ધરપકડ કરવામાં આવી છે. સબ ઇન્સ્પેક્ટરે દેશમુખના વકીલ આનંદ ડાગા પાસેથી એક લાખ રૂપિયાથી વધુ કિંમતનો આ આઇફોન લીધો હતો. એવું માનવામાં આવે છે કે ડાગાએ મિડિયાના એક વિભાગને આ રિપોર્ટ લીક કર્યો હતો.

લીક થયેલા અહેવાલમાં, તપાસ અધિકારીએ દેશમુખ સામે તપાસ બંધ કરવાની ભલામણ કરી હતી ત્યાર બાદ એવો દાવો કરવામાં આવ્યો છે કે દેશમુખના સમર્થકોએ એજન્સીના અધિકારીઓનો સંપર્ક કરીને તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

સીબીઆઈનાં સૂત્રોએ જણાવ્યું છે કે આ આઈફોન 12 પ્રો અભિષેક તિવારી પાસેથી સીબીઆઈ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, સીબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે અભિષેક તિવારી અનિલ દેશમુખ સામે ચાલી રહેલા કેસની તપાસના સંબંધમાં પુણે ગયા હતા. ત્યાં તેઓ દેશમુખના વકીલ આનંદ ડાગાને મળ્યા અને તપાસને લગતા મહત્વના દસ્તાવેજો તેમને સોંપ્યા હતા. બદલામાં, તિવારીને વકીલ પાસેથી નવો આઇફોન 12 પ્રો મળ્યો. સીબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે તિવારી દેશમુખના વકીલ સાથે નિયમિત સંપર્કમાં હતા.

સીબીઆઈ દ્વારા મંગળવારે અભિષેક તિવારીની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈની ટીમે બુધવારે તિવારીની પૂછપરછ કર્યા બાદ અનિલ દેશમુખના વકીલની ધરપકડ કરી હતી. અભિષેકની ધરપકડ બાદ તેના દિલ્હી અને પ્રયાગરાજ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે ત્રણ પાનાંનો પત્ર જારી કરીને અનિલ દેશમુખ પર દર મહિને 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો છે. દેશમુખે પ્રાથમિક તપાસ બાદ એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું, પરંતુ આરોપોને નકાર્યા હતા.

આ પછી આ મામલો હાઇ કોર્ટમાં ગયો અને કોર્ટના નિર્ણય બાદ 24 એપ્રિલે દેશમુખ અને કેટલાક અજાણ્યા લોકો સામે ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકના આરોપસર એફઆઈઆર નોંધવામાં આવી. ત્યારથી સીબીઆઈએ દેશમુખની બે વાર પૂછપરછ કરી છે અને તેમના ઘણા સ્થળો પર દરોડા પણ પડ્યા છે.

દેશમુખના જમાઈની પણ પૂછપરછ
તપાસ રિપોર્ટ લીક થયા બાદ એજન્સીએ શરૂઆતમાં દેશમુખના જમાઈની પૂછપરછ કરી હતી. તેની પૂછપરછ કર્યા બાદ હવે ડાગાની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે, તપાસ અધિકારીની ભલામણો સામે દેશમુખ સામે કેસ નોંધાયાના અહેવાલો પછી, એજન્સીએ જણાવ્યું હતું કે આ કેસ હાઇકોર્ટના આદેશના જવાબમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...