એમ્પ્લોયીઝ પ્રોવિડેન્ટ ફંડ ઓફિસ (ઈપીએફઓ)ના કર્મચારીઓ સામે ગેરરીતિની ફરિયાદો બાદ સીબીઆઈના એન્ટી કરપ્શન બ્યુરો અને ઈપીએફઓની વિજિલન્સ ટીમ દ્વારા નાગપુરમાં ઈપીએફઓનાં બે કાર્યાલયો પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. નાગપુરમાં તુકડોજી ચોક અને ઉમરેડ રોડ ખાતે ઈપીએફઓ ઓફિસોમાં મંગળવારે સવારથી જ મુંબઈની ઈપીએફઓની વિજિલન્સ ટીમ અને સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, જે મોડી રાત સુધી ચાલી હતી.
આ દરમિયાન અનેક વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ફાઈલો અને પીઈ એન્ટ્રીઓની પણ તપાસ કરવામાં આવી હતી. એમ્પ્લોયીઝ પ્રોવિડેન્ટ ફંડ અને મિસેલેનિયસ પ્રોવિઝન્સ એક્ટ હેઠળ 20 કે વધુ કર્મચારીઓ હોય તેવી કંપનીઓને નિવૃત્તિ ભંડોળ સંસ્થા ઈપીએફઓ દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સલામતી યોજનાઓમાં નોંધણી કરાવવાનું આવશ્યક છે.
જોકે મંગળવારે તપાસમાં એવું બહાર આવ્યું કે ઈપીએફઓ કર્મચારીઓએ પ્રોવિડેન્ટ ફંડ જમા નહીં કરનારી 40થી 50 કર્મચારીઓ ધરાવતી સ્કૂલો અને ખાનગી કંપનીઓને નોટિસો તો જારી કરી હતી, પરંતુ આવા કેસમાં કોઈ પગલાં લીધાં નહોતાં. આ સ્કૂલ અને કંપનીઓએ ઈપીએફઓ કર્મચારીઓને 18થી ઓછા કર્મચારીઓ હોવાનું બતાવવા જણાવ્યું હતું અને આ સાથે કેસની પતાવટ કરી નાખી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
હવે યોગ્ય તપાસ વિના ઈપીએફઓ કર્મચારીઓ દ્વારા આવી ફાઈલો બંધ કેમ કરવામાં આવી તેની તપાસ કરવામાં આવી રહી છે. અમુક કર્મચારીઓની પૂછપરછ કરી હતી, જ્યારે અમુકને વધુ તપાસ માટે સીબીઆઈ ઓફિસમાં બોલાવવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.