તપાસ:સુશાંતના મૃત્યુના કેસમાં હત્યાની થિયરી પર સીબીઆઇની તપાસ શરૂ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આજે ઈડી સમક્ષ ગૌરવ આર્ય હાજર થશે
  • રિયા અને શોવિકની સતત ત્રીજા દિવસે પૂછપરછ કરાઇ સિદ્ધાર્થ, દિપેશ, નીરજ, કેશવ, સેમ્યુઅલ મિરાંડાની ફરી ઊલટતપાસ

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અકુદરતી મોતના મામલે સતત 10મા દિવસે સીબીઆઈની ટીમે મુંબઇમાં આ કેસના મુખ્ય શકમંદોની ફરીથી પૂછપરછ કરી હતી. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ત્રીજા દિવસે 9 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. રિયાનો ભાઈ શોવિક પણ સાંતાક્રુઝના ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં પહોંચ્યો હતો. રવિવારે રિયાને આઠથી 14 જૂન દરમિયાન બનેલી ઘટનાઓ અંગે સવાલ પુછાયા હતા. રિપોર્ટ પ્રમાણે, સીબીઆઈએ રિયાને આઠ જૂન પછી તેણે કોની કોની સાથે વાત કરી તે પણ પૂછ્યું હતું. આ પહેલાં શુક્રવારે 10 કલાક તથા શનિવારે 7 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. રિયા ઉપરાંત તેના ભાઈ શોવિક, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, રૂમમેટ સિદ્ધાર્થ પિઠાની, હાઉસકીપર નીરજની અને પહેલી વખત સુશાંતની ફાઈનાન્સ મેનેજર શ્રુતિ મોદીની પણ પૂછપરછ કરાઈ હતી. સીબીઆઇ સોમવારે શકમંદોને ફરીથી બોલાવશે. ઉપરાંત સુશાંતની બહેન મિતુસિંહને પણ બોલાવીને શકમંદોના જવાબનું ક્રોસ વેરિફિકેશન કરશે.

સીબીઆઇની 4 અલગ અલગ ટીમ હત્યાની થિયરી પર 8 જૂનથી 14 જૂન વચ્ચે શું બન્યું હતું તેની તપાસમાં અત્યાર સુધીમાં મુખ્ય શકમંદોની સતત ઊલટતપાસ કરી રહી છે. રિયાને 8 જૂને શા માટે સુશાંતનું ઘર છોડ્યું? એ પછી સુશાંતની સાથે 8થી 14 જૂન વચ્ચે કોઇ વાત થઇ હતી કે નહીં? સુશાંતના સ્ટાફમાં કોની કોની સાથે અને શા માટે વાત થઇ, સુશાંતના પરિવારજનો સાથે કોઇ વાત કરી હતી કે કેમ તે અંગે રિયાને સવાલ પૂછવામાં આવ્યા હતા. દરમિયાન રિયા અમુક જવાબ આપવા સમયે ઊકળી ઊઠી હતી એમ સૂત્રોએ જણાવ્યું હતું. સુશાંતની ભૂતપૂર્વ મેનેજર શ્રુતિ મોદીની પણ પૂછપરછ કરાઈ હતી. મોદીની દરેક વાત ઘણી મહત્ત્વની છે. ઉપરાંત સિદ્ધાર્થ, નીરજ તથા મિરાન્ડાની પણ રવિવારે પૂછપરછ કરવામાં આવી હતી.

બીજી તરફ ગૌરવ આર્ય મુંબઈ આવી પહોંચ્યો હતો. ગૌરવ 31 ઓગસ્ટે ઈડી સમક્ષ હાજર થશે. ગૌરવે કહ્યું હતું કે 2017માં તે રિયાને મળ્યો હતો પરંતુ તે ક્યારેય સુશાંતને મળ્યો નથી. સુશાંતના મોત સંબંધી મામલામાં તેને કોઇ લેવાદેવા નથી. તે સુશાંતને મળ્યો નથી પરંતુ રિયાને ઓળખે છે અને મળ્યો પણ હતો. નાર્કોટિક્સ બ્યુરો પણ ગૌરવની પૂછપરછ કરવા માગે છે. રિયાની ડ્રગ્સની વાતચીતમાં ગૌરવનું નામ સામે આવ્યું છે. એનસીબી ટૂંક સમયમાં રિયાના બ્લડ સેમ્પલ લઈ શકે છે. એનસીબીએ રિયા તથા તેના ભાઈ શોવિક સહિત પાંચ જણ વિરુદ્ધ કેસ કર્યો છે. એનસીબી ગૌરવની પૂછપરછ કરી શકે છે.

હવે પછી કોની પૂછપરછ?
હવે રિયાનાં માતા- પિતાની પૂછપરછ કરાશે. સીબીઆઈ સુશાંતની બહેનો પ્રિયંકા, મિતુ, પ્રિયંકાના પતિ સિદ્ધાર્થની પણ પૂછપરછ કરશે. જરૂર પડી તો સુશાંતની બહેનો તથા રિયા, સિદ્ધાર્થ પિઠાની, નીરજ તથા દિપેશને સામસામે બેસાડીને પણ પૂછપરછ કરી શકે છે. સુશાંતની બહેન મિતુ 8થી 12 જૂન સુધી તેની સાથે રહી હતી. મિતુને સુશાંતે છેલ્લા દિવસોમાં શું કર્યું તે અંગે સવાલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...