કામગીરી:સાકીનાકા ખાતે મહિલા સાથે દુષ્કર્મ બાદ હત્યા પાછળ આર્થિક વિખવાદ કારણભૂત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીની મદદથી પોલીસે ઘટનાક્રમ રિક્રિયેટ કર્યો

સાકીનાકા ખૈરાણી રોડ પર પાર્ક કરેલા ટેમ્પોમાં 34 વર્ષીય મહિલા સાથે શુક્રવારે પરોઢિયે દુષ્કર્મ બાદ ગુપ્તાંગમાં ધારદાર ઓજાર ભોંકીને હત્યા કરવાના કેસમાં આર્થિક વિખવાદ કારણભૂત હોવાનું હવે બહાર આવ્યું છે. આરોપી અને મૃતક વચ્ચે આર્થિક લેણદેણમાંથી આ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. પોલીસ કમિશનર હેમંત નગરાલેએ જણાવ્યું હતું કે દુષ્કર્મ અને હત્યાના આ ક્રૂર કિસ્સામાં આર્થિક વિખવાદ કારણભૂત છે. આરોપીએ ગુનો કબૂલ કરી લીધો છે.

મહિલા વિશિષ્ટ વર્ગની હોવાથી આરોપી સામે એસસી- એસટી ધારા પણ લાગુ કરવામાં આવી છે. ઉપરાંત કાંડ કરવા માટે ઉપયોગ કરાયેલું ઓજાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. શુક્રવારે પરોઢિયે બનેલી આ ઘટના પછી મહિલાનું 36 કલાક ઝઝૂમ્યા પછી મોત થયું હતું. અમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે. આરોપીની મદદથી ગુનો સર્જાયો તે ઘટનાક્રમને રિક્રિયેટ કરવામાં આવ્યો હતો અને તેનું વિડિયો રેકોર્ડિંગ કરી લેવાયું હતું, જે આરોપી વિરુદ્ધ કોર્ટમાં પુરાવા માટે ઉપયોગ કરવામાં આવશે.

મૃતક ઘટનાસ્થળે કઈ રીતે પહોંચી હતી, આરોપી ત્યાં ક્યારે પહોંચ્યો અને ગુનો કઈ રીતે સર્જાયો તેના સહિતની બારીકાઈભરી વિગતોની નોંધ કરવામાં આવી છે. આ કેસને અગ્રતાથી લેવામાં આવી રહ્યો છે. એક મહિનામાં ચાર્જશીટ દાખલ કરાશે, એમ નગરાલેએ જણાવ્યું હતું. અમે બધા પુરાવા ડીએનએ વિશ્લેષણ માટે મોકલીશું. સર્વ સુસંગત સીસીટીવી ફૂટેજ વિસ્તારમાંથી ભેગા કરાયા છે, એમ તેમણે જણાવ્યું હતું. દરમિયાન મહિલો માટેનું રાષ્ટ્રીય પંચ અને પછાત જાતિઓ માટેનું રાષ્ટ્રીય પંચના પ્રમુખોએ તેમની ટીમ સાથે ઘટનાસ્થળ, પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને વિગતો જાણી હતી.

આરોપી મોહન ચૌહાણ (45)ની ઘટનાના દિવસે જ ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે. ઘટના બનતી હતી ત્યારે બાજુની એક કંપનીની સિક્યુરિટી ગાર્ડે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરીને એક પાર્ક કરેલા ટેમ્પોમાં મહિલાની મારઝૂડ થઈ રહી છે એવી માહિતી આપી હતી. પોલીસ દસ જ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધી આરોપી ભાગી ગયો હતો, જ્યારે મહિલા દર્દથી કણસતી હતી. પોલીસે તુરંત પોતે જ ટેમ્પો હાંકીને મહિલાને જે જે હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં યુદ્ધને ધોરણે સારવાર કરવામાં આવી હતી.

જોકે ધારદાર ઓજાર મહિલાના ગુપ્તાંગમાં એટલું જોરથી ઘુસાડવામાં આવ્યું હતુ કે તે પેટમાં પહોંચ્યું હતું, જેને કારણે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આખરે 36 કલાક મોત સામે ઝઝૂમ્યા પછી તેણે પ્રાણ છોડ્યા હતા. આરોપી આ જ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતો હતો. ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. ડ્રાઈવરનું કામ નહીં હોય તો અન્ય નાનાં- મોટાં કામ કરી લેતો હતો. તે નશાનો બંધાણી પણ હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...