કાર્યવાહી:મુંબઈમાં લાઉડસ્પીકરના નિયમોનું ઉલ્લંઘન કરનારી 2 મસ્જિદ સામે કેસ

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંદરા અને સાંતાક્રુઝની મસ્જિદના ટ્રસ્ટીઓ સામે ગુનો

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર પર ચાલી રહેલા વિવાદમાં મુંબઈ પોલીસે શનિવારે લાઉડસ્પીકર પર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ બે કેસ દાખલ કર્યા છે. મુંબઈ પોલીસે લાઉડસ્પીકર અંગે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ બે મસ્જિદોના ટ્રસ્ટીઓ સામે કેસ નોંધ્યો છે. બાંદરામાં નૂરાની મસ્જિદ અને સાંતાક્રુઝમાં લિંક રોડ પર આવેલી કબ્રસ્તાન મસ્જિદના ટ્રસ્ટીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સ્પીકર વગાડતું હોય તો તેણે નિર્ધારિત ડેસિબલ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.

બાંદરામાં નુરાની મસ્જિદના મેનેજમેન્ટે સુપ્રીમ કોર્ટના નિયમોનું પાલન ન કર્યું હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ બાંદરા પોલીસે તેમની સામે આઇપીસીની કલમ 188 અને કલમ 37(1), (3), 135 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. મહારાષ્ટ્ર પોલીસ એક્ટ અને સાઉન્ડ પ્રતિબંધ નિયમો કલમ 33 (આર) (3) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુંબઈની સાંતાક્રુઝ પોલીસે લિંક રોડ પર કબ્રસ્તાન મસ્જિદ સાથે સંકળાયેલા લોકો સામે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ પણ નોંધ્યો છે.પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગુરુવારે સવારે બાંદરાની નૂરાની મસ્જિદમાં લાઉડસ્પીકર પર નમાજ પઢવામાં આવી હતી.

સવારે 6 વાગ્યા પહેલા લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવા માટે પોલીસે એક દિવસ અગાઉથી સૂચના આપી હોવા છતાં સવારની અઝાન માટે મસ્જિદમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ત્યાર પછી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને લાઉડસ્પીકર પર બપોરની અઝાન મોટેથી આપવામાં આવી હતી. પોલીસે આ અંગે નોંધ કરી ઘટનાસ્થળે પહોંચી લાઉડસ્પીકર મશીન જપ્ત કર્યું હતું. દરમિયાન, મસ્જિદ મેનેજમેન્ટ અને પોલીસે આ મુદ્દે ચર્ચા કરી હોવાનું કહેવાય છે.

આ સમયે, પોલીસે તમામને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી છે. મસ્જિદ મેનેજમેન્ટે પોલીસને ખાતરી આપી છે કે, વહેલી સવારની અઝાન દરમિયાન મસ્જિદો દ્વારા લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે નહીં અને દિવસની અઝાન દરમિયાન અવાજના ડેસિબલ મર્યાદાનું પાલન કરવામાં આવશે.

હવે કેન્દ્ર ધોરણ બનાવેઃ રાઉત
બીજી તરફ, શિવસેનાના સાંસદ સંજય રાઉતે શનિવારે આ બાબતે કહ્યું કે મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરનો મુદ્દો સમાપ્ત થઈ ગયો છે અને દેશ માટે આ મામલે નીતિ બનાવવા માટે કેન્દ્રને હાકલ કરી છે. મને લાગે છે કે લાઉડસ્પીકરનો મુદ્દો ખતમ થઈ ગયો છે. કાયદા મુજબ કામ થશે. મહારાષ્ટ્રમાં શાંતિ છે, કેટલાક લોકો રાજ્યની સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકરના ઉપયોગને લઈને સમગ્ર દેશ માટે એક નીતિ બની જોઇએ, રાઉતે પત્રકારો સાથે વાત કરતા કહ્યું.

રાજ ઠાકરેની ચીમકી બાદ...
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ 1 મેના રોજ ઔરંગાબાદમાં રેલી યોજી હતી અને લાઉડસ્પીકરના મુદ્દે શાસક ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે 3 મેની સમયમર્યાદા નક્કી કરી હતી. તેમણે એવી પણ ધમકી આપી હતી કે જો રાજ્ય સરકાર સમયમર્યાદામાં કાર્યવાહી નહીં કરે તો તેમના પક્ષના કાર્યકરો મસ્જિદોની સામે અઝાન (મુસ્લિમ પ્રાર્થના)ના બમણા વોલ્યુમ સાથે હનુમાન ચાલીસા વગાડશે.

પોલીસ સ્ટેશનો સામે હનુમાન ચાલીસા
​​​​​​​આથી વિપરીત, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પુણે એકમે ચીમકી આપી છે કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો તે શહેરનાં પોલીસ સ્ટેશનો સામે હનુમાન ચાલીસા વગાડશે. મનસેએ મસ્જિદોના મૌલવીઓ પાસેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને નમાજ પઢવાનું બંધ કરવા લેખિતમાં ખાતરીની માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...