પુણે પોલીસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ત્રણ કાર્યકરો સામે સભાગૃહમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની મહિલા સભ્ય પર કથિત રીતે હુમલો કરવા બદલ કેસ નોંધ્યો છે. પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બંને પક્ષો સામસામે આવી ગયા બાદ આ ઘટના બની હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાણીએ હાજરી આપી હતી.
રાષ્ટ્રવાદી કોંગ્રેસની પુણે શહેર મહિલા પાંખની પ્રમુખ વૈશાલી નાગવડે પર હુમલો કરવા બદલ ભાજપના ત્રણ પદાધિકારીઓ સામે છેડતી અને મારપીટનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓમાં ભસ્મરાજ ટીકોને (રહે. કસ્બા પેઠ), પ્રમોદ કોંધારે (રહે. નટુ બાગ) અને મયુર ગાંધી (રહે. શુક્રવાર પેઠ) છે.
તેમની પર કલમ 354, 323, 504, 506 અને 34 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.સ્મૃતિ ઈરાણી સોમવારે પુણેના બાલ ગંધર્વ રંગમંદિર ખાતે શિવાનંદ દ્વિવેદીના પુસ્તક અમિત શાહ અને ભાજપની યાત્રાના વિમોચન માટે પહોંચ્યાં હતાં. આ પ્રસંગે મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સહિત ભાજપના કાર્યકરો હાજર હતા.
આ સમયે વૈશાલી નાગવડે અને અન્ય મહિલા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા, જે પછી ભાજપ અને એનસીપીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. વૈશાલી નાગવડેએ ભાજપના કાર્યકર્તાઓએ તેની સાથે મારપીટ કરી છેડતી કરી હોવાનો આક્ષેપ કર્યા બાદ સોમવારે રાત્રે પુણેના ડેક્કન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
રાષ્ટ્રવાદીનાં સાંસદ સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે,એ સ્પષ્ટ છે કે મોંઘવારી સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતી વખતે રાષ્ટ્રવાદી કોંગ્રેસના એક પદાધિકારી વૈશાલી નાગવડેને ભાજપના પદાધિકારી દ્વારા માર મારવામાં આવ્યો હતો, કોઈ પણ સંજોગોમાં એક પુરુષ સ્ત્રીને મારે તે સ્વીકાર્ય નથી.દરમિયાન સ્મૃતિ ઈરાણી જે હોટેલમાં રોકાયાં હતાં તેની બહાર રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારીનો વિરોધ કરવા હોટેલમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો,જેના કારણે ધાંધલ મચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.