હાલાકી:અનલોક પછી ફરીથી લોકડાઉનને લીધે વેપારધંધા વધુ મુશ્કેલીમાં

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્પાદન બંધ છે, વેપારો ઠપ છે, જેની આડઅસર આખરે સરકારને જ ભોગવવી પડશે

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે હવે કોરોના સાથે જીવવાનું શીખી જવું જોઈએ એવી વારંવાર સલાહ આપી રહ્યા છે ત્યારે અનલોક વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં ફરીથી લોકડાઉનના પ્રયોગો શરૂ થવાથી બેસી પડેલા વેપારધંધા વધુ મુશ્કેલીમાં આવી ગયા છે. આને કારણે રાજ્ય લોકડાઉનમાં છે કે અન લોકડાઉનમાં છે તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

માસ્ક, પીપીઈ કિટ, વેન્ટિલેટર સુધીની આરોગ્યની સુવિધાઓ ધીમે ધીમે ઉપલબ્ધ થવા લાગી છે

ત્રણ મહિનાના લોકડાઉનમાં આરોગ્ય વ્યવસ્થા સુધારવાનો વિકલ્પ હતો અને આજે પણ તે જ છે, પરંતુ તે ટાળીને ફરીથી લોકડાઉન શરૂ થવાથી વેપારીઓનું આર્થિક ગાડું ફરીથી કાદવમાં ખૂંપવા લાગ્યું છે. ઉત્પાદન શરૂ થતું નથી, વેપારો ઠપ છે, જેની આડઅસર આખરે સરકાર પર જ પડવાની છે, એમ વેપારીઓ કહી રહ્યા છે.મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રિકલ્ચરનાં સૂત્રોએ જણાવ્યું હતું કે 72 દિવસનું લોકડાઉન થયું ત્યારે સરકારે આરોગ્ય વ્યવસ્થાની ઉપાયયોજના મજબૂત બનાવવાની અપેક્ષા હતી, પરંતુ તેવું કરાયું નહીં. હવે સરકાર અને પ્રશાસન પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે ફરી ફરી લોકડાઉન કરી રહ્યાં છે.વાસ્તવમાં હવે માસ્ક, પીપીઈ કિટ, વેન્ટિલેટર સુધીની આરોગ્યની સુવિધાઓ ધીમે ધીમે ઉપલબ્ધ થવા લાગી છે. આમ છતાં સરકાર અને પ્રશાસન લોકડાઉનની પાછળ કેમ લાગ્યાં છે તે ખબર પડતી નથી. જો લોકડાઉનથી દેશ કોરોનામુક્ત થવાનો હોય અને સરકાર અને પ્રશાસન તેવી ખાતરી આપે તો લોકડાઉનને અપનાવવામાં વાંધો નથી, પરંતુ વાસ્તવમાં લોકડાઉનને લીધે બેરોજગારી વધી રહી છે. સામાજિક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આથી હવે લોકડાઉન નહીં કરતાં નિયમોનું પાલન કરવા પર ભાર આપવો જોઈએ, એવી સલાહ તેમણે આપી હતી.

રાજ્યમાં શનિવારે દર્દીઓની સંખ્યા 2 લાખનો આંક પાર કરી ચૂકી છે

મુંબઈ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ- ડોંબિવલી માટે લોકલ ટ્રેનો ઉપલબ્ધ નથી. હોટેલ, રેસ્ટોરાં, કારખાનાં, બાંધકામ વ્યવસાય, દુકાનો, વેપારધંધા બંધ છે. પરપ્રાંતીય શ્રમિકો વતન ગયા છે. સ્થાનિક શ્રમિકો પર નિયંત્રણો આવ્યા છે. અનેક વસ્તુઓની માગણીમાં પ્રચંડ ઘટાડો થઈ રહ્ય છે. નવાં ઉત્પાદન થતાં નથી, ઉત્પાદન ઠપ છે. અનલોક પછી અમુક વ્યવસાય જૂનમાં ફરી શરૂ તો થયા, પરંતુ અમુક ભાગોમાં ફરી લોકડાઉન આવતાં મુશ્કેલી વધી છે. ધંધા બંધ છે છતાં ભાડાં અને કર્મચારીઓને પગાર તો આપવાં જ પડશે. આથી નિયોજનબદ્ધ પદ્ધતિથી વેપારો ચાલુ રાખવા દેવા જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.રાજ્યમાં શનિવારે દર્દીઓની સંખ્યા 2 લાખનો આંક પાર કરી ચૂકી છે. આથી અનેક શહેર અને જિલ્લામાં લોકડાઉન, સંચારબંધી અને અન્ય નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે. સંક્રમણ વધે નહીં તે માટે સરકાર કઠોર પગલાં લઈ રહી હોવાથી રાજ્યનું અર્થકારણ દિવસે દિવસે બગડી રહ્યું છે. વેપારધંધા ચાલુ કરવામાં મુશ્કેલીઓ નડી રહી છે. લોકોની રોજગારીને અસર થઈ છે. ત્રણ મહિના લોકડાઉન છતાં સંક્રમણ અટકાવી નહીં શકાયું તો હવે શું ફરીથી લોકડાઉન, સંચારબંધી, નિયંત્રણોથી દર્દીઓની સંખ્યા વધવાનું ઓછું થશે, એવો પ્રશ્ન વેપારીઓ પૂછી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...