તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવાર પર આભ તૂટ્યું:કાંદિવલીની શિબિરમાં બોગસ રસી અપાયેલી મહિલા કોવિડ પોઝિટિવ

મુંબઇ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિરાનંદાની સોસાયટીમાં રહેતી જૈના સંઘવીના ઈલાજમાં લાખ્ખોનો ખર્ચ

બોગસ રસીકરણ ઝુંબેશનો ભોગ બનેલી કાંદિવલીની હિરાનંદાની હેરિટેજ હાઉસિંગ સોસાયટીના રસી લેનારા 390 સભ્યમાંથી જૈના સંઘવી (31)નો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

જૈના પર સ્થાનિક હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે, જ્યાં મોંઘી રેમડેસિવિર સહિત બિલ લાખ્ખોમાં પહોંચી ગયું છે. વળી, જૈનાને છ વર્ષની દીકરી છે, જેને સાવચેતી ખાતર નાલાસોપારામાં નાના- નાની પાસે મોકલી દેવાઈ છે. તેની ઓનલાઈન સ્કૂલ અને પરીક્ષામાં અવરોધ પેદા થયો છે. વળી, જૈના સહિતના રહેવાસીઓ હવે ફરીથી રસીકરણની વાટ જોઈ રહ્યા છે, પરંતુ મહાપાલિકા પ્રશાસન પાસેથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું કે અમે કથિત કૌભાંડના બધા પીડિતો માટે રસીકરણ પર નિર્ણય લેવાની પ્રક્રિયામાં છે. અમને આ લોકોને અપાયેલી રસીની શીશીઓમાં ચોક્કસ શું હતું તેનો અહેવાલ હજુ પોલીસે આપ્યો નથી. જૂનના છેલ્લા સપ્તાહમાં આરોગ્ય અધિકારીઓની ટીમ સોસાયટીમાં ગઈ હતી અને રહેવાસીઓની આરોગ્યની સ્થિતિ વિશે ફોન પર પૂછપરછ કરી હતી.

નોંધનીય છે કે આ પ્રકરણમાં પોલીસે ડો. મનીષ ત્રિપાઠી સહિત 13 જણની ધરપકડ કરી છે. આમાં કાંદિવલીના ચારકોપની શિવમ હોસ્પિટલનાં માલિક ડોક્ટર દંપતીનો પણ સમાવેશ થાય છે. આ ટોળકી દ્વારા કાંદિવલી સાથે વર્સોવા, ખાર, બોરીવલી, ભોઈવાડા, થાણે અને નવી મુંબઈમાં પણ બોગસ રસીકરણ શિબિરો યોજી હોવાનું બહાર આવ્યું છે.

દરમિયાન પોલીસ દ્વારા આ પ્રકરણની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. તેમાં એવું જણાયું હતું કે શિવમ હોસ્પિટલમાં રસીની શીશીઓમાં સલાઈન વોટર ભરીને તે ઈન્જેકશનના રૂપમાં રહેવાસીઓને આપવામાં આવ્યું હતું. એક શીશીમાં 10-11 ડોઝ નીકળે છે, પરંતુ હોસ્પિટલે 15થી વધુ ડોઝ આપ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...