મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટની બંને હવાઈપટ્ટીઓ (આરડબ્લ્યુવાય 14/32 અને 09/27 આગામી 10મી મે, 2022ના રોજ બંધ રાખવામાં આવશે. ચોમાસા- પૂર્વ જાળવણીનાં કામો માટે બંને હવાઈપટ્ટી એક દિવસ માટે બંધ રાખવામાં આવશે, એમ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું.ચોમાસા પૂર્વ જાળવણી અને સમારકામોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
10 મેના રોજ સવારે 11.00 કલાકથી 17.00 કલાક સુધી આ કામકાજ ચાલશે અને નોટેમ (નોટિસ ટુ એરમેન) આ સંબંધમાં જારી કરવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું. 10 મેના રોજ સાંજે 17.00 કલાક પછી બધી કામગીરીઓ રાબેતા મુજબ ચાલુ થશે. પ્રવાસીઓને 10 મે માટે તેમની નિર્ધારિત ફ્લાઈટ્સ વિશે તેમની સંબંધિત એરલાઈન્સ પાસે તપાસ કરાવી લેવાની વિનંતી છે.
હવાઈપટ્ટી જાળવણી અને સમારકામો માટે બંધ રાખવી તે વાર્ષિક વ્યવહાર છે અને કન્ટિન્જન્સી પ્લાનના ભાગરૂપ છે. તેનાથી સંચાલન સાતત્યતા જાળવવામાં અને પ્રવાસીઓની સુરક્ષાની ખાતરી રાખવામાં મદદ થાય છે. આ જાળવણી કામને લઈને અમારા પ્રવાસીઓને થનારી કોઈ પણ અસુવિધા માટે અમને ખેદ છે, એમ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.