કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને 18,000થી વધુ મતોના અંતરથી હરાવ્યા બાદ શનિવારે મહારાષ્ટ્રના શાસક મહાવિકાસ આઘાડી ગઠબંધનને પ્રોત્સાહન મળ્યું. આ સાથે કોંગ્રેસે આ બેઠક જાળવી રાખી છે.
ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, કોંગ્રેસ- મહાવિકાસ આઘાડીની ઉમેદવાર જયશ્રી જાધવને 96,176 વોટ મળ્યા, જ્યારે ભાજપના સત્યજિત કદમને 77,426 વોટ મળ્યા. જાધવ 18,750 મતના માર્જિનથી વિજયી થયાં હતાં. કોવિડ-19ને કારણે ડિસેમ્બર 2021માં કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રકાંત જાધવના મૃત્યુને પગલે પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી જરૂરી બની હતી.કોંગ્રેસે આ બેઠક પરથી દિવંગત ધારાસભ્યની પત્નીને મેદાનમાં ઉતાર્યા હતા. પેટાચૂંટણી 12 એપ્રિલે યોજાઈ હતી જેમાં 61.19 ટકા મતદાન નોંધાયું હતું.
પરિણામો બહાર આવ્યા પછી, શિવસેના અને એનસીપી સાથે રાજ્યમાં સત્તામાં ભાગીદાર કોંગ્રેસના કાર્યકરોએ સંગીતની ધૂન પર નૃત્ય કરીને અને એકબીજાને ગુલાલ લગાવીને વિજયની ઉજવણી કરી હતી. પોતાની જીત બાદ પત્રકારો સાથે વાત કરતા જાધવે મતદારોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે એમવીએના ત્રણેય ઘટકોએ જીત મેળવવા માટે સાથે મળીને કામ કર્યું હતું.મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ પાર્ટીની જીતને પ્રગતિશીલ વિચારોની જીત ગણાવી હતી. જયારે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, તેમની પાર્ટી મતદારો દ્વારા આપવામાં આવેલા નિર્ણયને સ્વીકારે છે.
કોંગ્રેસના નેતા અને રાજ્યના મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાતે કહ્યું, કોલ્હાપુર ઉત્તર બેઠકના મતદારોએ ધાર્મિક ધ્રુવીકરણ બનાવવાના પ્રયાસોને નકારી કાઢ્યા છે. કોલ્હાપુરે હંમેશાં સમાનતાના સિદ્ધાંતનું પાલન કર્યું છે.
કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ
મુંબઈના દાદર વિસ્તારમાં પાર્ટીના સ્ટેટ હેડક્વાર્ટર તિલક ભવનમાં કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી. નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતાં પટોલેએ કહ્યું, ધાર્મિક દ્વેષ પેદા કરીને મોંઘવારી, બેરોજગારી, ગરીબી અને નાના ખેડૂતો અને વેપારીઓની સમસ્યાઓ પર કેન્દ્રની નિષ્ફળતાને છુપાવવાના પ્રયાસો ચાલુ છે. આ જીતથી શાહુ મહારાજના જન્મસ્થળનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે બીજેપી તમામ પેટાચૂંટણીઓમાં હારનો સામનો કરી રહી છે, પછી તે બિહાર, છત્તીસગઢ કે પશ્ચિમ બંગાળ હોય.
15 ઉમેદવાર મેદાનમાં હતા
કોલ્હાપુર નોર્થ સીટ માટે 15 ઉમેદવારો મેદાનમાં હતા, જોકે મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન, એમવીએ તેમ જ ભાજપના વરિષ્ઠ નેતાઓ પોતપોતાના ઉમેદવારોના પ્રચાર માટે કોલ્હાપુર આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.