વિધાન પરિષદની પેટાચૂંટણી:ભાજપની 2 બેઠક ઓછી થશે, 10મી બેઠક માટે જોરદાર લડત થવાની શક્યતા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં રાજ્યસભા પછી વિધાન પરિષદની 10 બેઠક માટે ચૂંટણી થવાની છે. વિધાન પરિષદના 10 સભ્ય જુલાઈના પ્રથમ અઠવાડિયામાં નિવૃત્ત થઈ રહ્યા છે. વિધાનસભાના સંખ્યાબળ અનુસાર ભાજપના 4 અને શિવસેના તથા રાષ્ટ્રવાદીના પ્રત્યેકી બે ઉમેદવાર ચૂંટાઈ આવી શકે છે, જ્યારે કોંગ્રેસનો એક ઉમેદવાર પ્રથમ ક્રમની પસંદગીના મતથી ચૂંટાઈ આવી શકે છે.

હવે બાકી 10મી બેઠક માટે કોંગ્રેસને લગભગ 12 મતની જરૂર હોઈ આ બેઠક માટે જોરદાર લડત થવાની શક્યતા છે.વિધાન પરિષદની એક બેઠક માટે પ્રથમ પસંદગીના 27 મત મેળવવા પડે છે. વિધાનસભાના સંખ્યાબળને ધ્યાનમાં લેતાં ભાજપ પાસે 106 અને મિત્ર પક્ષના 7 મળી 113નું સંખ્યાબળ છે. આથી તેમના ચાર ઉમેદવાર ચૂંટાઈ આવી શકે છે. હવે ભાજપના વિધાન પરિષદના 6 સભ્ય નિવૃત્ત થઈ રહ્યા છે.

વિધાન પરિષદની બેઠક માટે થનારું મતદાન ગુપ્ત પદ્ધતિથી થતું હોવાથી આ ચૂંટણી રસાકસીભરી થવાની છે. જોકે 27 મતની જરૂર ધરાવતા દરેક પક્ષ એક-બે મત વધુ કઈ રીતે મળે તેની પર મહેનત કરશે. શિવસેના દ્વારા ફરી સુભાઈ દેસાઈ : શિવસેનાના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈ છેલ્લાં 7 વર્ષથી ઉદ્યોગ મંત્રી છે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના તેઓ નિકટવર્તી છે. આથી તેમને વધુ એક તક આપવામાં આવી શકે છે. બીજી બેઠક પર કોને તક અપાય છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

રાષ્ટ્રવાદી કોને ઉમેદવારી આપશે : વિધાન પરિષદના સભાપતિ રામરાજે નિંબાળકર પવારના નિકટવર્તી માનવામાં આવે છે. 1995થી હમણાં સુધી વિધાનસભ્ય છે. 2010થી તેમણે વિધાન પરિષદનું નેતૃત્વ કર્યું છે. આથી તેમને ફરીથી ઉમેદવારી મળી શકે છે. બીજી બેઠક માટે રાષ્ટ્રવાદી દ્વારા કોના નામની ઘોષણા કરવામાં આવે છે તે જોવું રહ્યું.

કોંગ્રેસ કોને તક આપશે
કોંગ્રેસનો એકેય ઉમેદવાર નિવૃત્ત થવાનો નથી છતાં કોંગ્રેસના જૂથમાંથી કોને ઉમેદવારી મળશે તે તરફ બધાનું ધ્યાન દોરાયું છે. કોંગ્રેસ પાસે એક બેઠક ચૂંટાઈ આવીને 15 મત બચે છે. આથી બીજી બેઠક માટે કોંગ્રેસ દ્વારા કોઈ પ્રયાસ કરાશે કે કેમ તેની પર સૌની મીટ રહેશે.

ભાજપ કોને તક આપી શકે
પ્રવીણ દરેકર માજી મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિકટવર્તી છે. તેઓ મુંબઈમાં હાલ પોલખોલ યાત્રા કરી રહ્યા છે. મુંબઈ બેન્ક પ્રકરણમાં તેમનું નામ ચર્ચામાં છે. હવે ભાજપ તેમના ઉપરાંત કોને તક આપે છે તેની પર સૌની મીટ છે. હાલમાં ચિત્રા વાઘને ઉમેદવારી મળી શકે એવી ચર્ચા છે.

નિવૃત્ત થનારા સભ્યો
રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રામરાજે નાઈક નિંબાળકર, બીડના રાષ્ટ્રવાદી કોંગ્રેસના સંજય દૌંડ, શિવસેનાના સુભાષ દેસાઈ, દિવાકર રાવતે, ભાજપના પ્રવીણ દરેકર, સદાભાઉ ખોત, વિનાયક મેટે, સુજિતસિંગ ઠાકુર, પ્રસાદ લાડ નિવૃત્ત થઈ રહ્યા છે. ભાજપના રામનિવાસ સિંહનું નિધન થવાથી એક બેઠક ખાલી છે. જોકે આ વખતે ભાજપના બે સભ્યો ઓછા થશે. આથી ભાજપ પાસેથી કોને તક મળશે અને કોનું પત્તું કપાશે તેની પર સૌની મીટ છે.

અન્ય સમાચારો પણ છે...