બોરીવલીના જૈન મંદિરમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા કરીને રૂ. 4 લાખની માલમતા લૂંટવા સંબંધે કોર્ટે ત્રણ જણને જન્મટીપની સજા સંભળાવી છે. લૂંટ દરમિયાન હત્યા કરવા અંગે ગુનેગારોને કસૂરવાર ઠરાવીને ત્રણેયની 16 વર્ષથી ઓછી નહીં તે રીતે જન્મટીપ ભોગવવાની રહેશે, એમ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું.
આરોપીમાં હારૂણ શેખ, રમેશ પાટીલ અને સંતોષ ભોઈરનો સમાવેશ થાય છે. જોકે સુરેશ ગુપ્તા, વિનોદ કુમાર યાદવ, વિકી થાપા અને મુકેશ યાદવને પુરાવાને અભાવે છોડી મુકાયા હતા. બે અન્ય આરોપી ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા છે. આરોપીઓને જેલમાંથ ચુકાદા માટે શનિવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
22 ઓગસ્ટ, 2010ના રોજ બોરીવલી પશ્ચિમમાં ભગવતી હોસ્પિટલ નજીક નંદિશ્વર દિગંબર જૈન મંદિરમાં લૂંટારા પરોઢિયે ત્રાટક્યા હતા. મંદિરમાં સ્થાપિત દેવદેવીઓના સોના- ચાંદીના દાગીના મળી રૂ. 4.2 લાખ મૂલ્યની મતાની તેમણે લૂંટ ચલાવી હતી.
તે સમયે આરોપીઓએ દેવીલાલ સિંહ (55) અને રામપ્રસાદ જોશી (30) પર હુમલો કર્યો હતો, જેમાં ગાર્ડ દેવીલાલનું મોત થયું હતું. આરોપીઓ હાફ પેન્ટ અને કાળા ટીશર્ટમાં પરોઢિયે 2.30 વાગ્યે આવ્યા હતા. લૂંટારાઓને રોકવા જતાં બંને ગાર્ડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એક પખવાડિયા પછી પોલીસે આઠ જણની ધરપકડ કરી હતી. રૂ. 4 લાખની મતા હસ્તગત કરવામાં આવી હતી.
શેખ આ લૂંટનો માસ્ટરમાઈન્ડ હતો.ઘટના બની ત્યારે પોતે સગીર હતો એવું સિદ્ધ કરવા તેણે પ્રયાસ કર્યા હતા. જોકે કોર્ટે તબીબી બોર્ડના અભિપ્રાય અનુસાર શેખની ઉંમર 20થી વધુ હોવાનું જણાવ્યું હતું. આરોપી સગીર છે એવું દર્શાવવા માટે પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયો છે એવી નોંધ કરીને તેની અરજી નકારી કાઢવામાં આવી હતી. આરોપીનો અગાઉનો પણ ગુનાહિત રેકોર્ડ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.