એક પગથી બાઈક ચલાવતા વિનોદ રાવતની આજે (રવિવાર) 75મા આઝાદી દિવસ નિમિત્તે બાઈકરો અચૂક યાદ કરે છે. છ વર્ષની ઉંમરથી એક પગથી વિકલાંગ વિનોદ 2000માં નવોસવો બાઈક ચલાવવાનું શીખ્યો હતો. બાંદરાથી વરલી કૃત્રિમ પગ સાથે વિનોદને બાઈક ચલાવતો જોઈને રોયલ એનફિલ્ડના રાઈડર પ્રભાવિત થયા.
વિનોદને પણ બાઈક રેલીમાં સાથે જોડાવા માટે કહ્યું અને તેનું જીવન બદલાઈ ગયું.વિનોદને એક પગે વિકલાંગ હોવાથી અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેના જેવા અન્ય વિકલાંગો સાથે આવું નહીં થાય તે માટે આજે કોન્વોય કંટ્રોલ ક્લબ ચલાવે છે, જેમાં દિવ્યાંગનોને બાઈકિંગ શીખવે છે. ઉપરાંત વિવિધ કાજ માટે ભંડોળ ઊભું કરવા પણ સક્રિય ભૂમિકા ભજવે છે. ખુદ વિનોદે સ્થાનિક રાઈડરો સાથે લાંબી રાઈડ પર જવા સાથે 20,000 ફીટ સુધી હિમાલય ખાતે બાઈકિંગ કર્યું છે.રોયલ એનફિલ્ડ સ્ટાન્ડર્ડ બુલેટ પર તેણે 2006માં સૌપ્રથમ મુંબઈથી શિલોંગ સૌથી લાંબી સવારી પૂરી કરી હતી.
આ પછી હવે વિવિધ કાજ આધારિત રાઈડ્સમાં ભાગ લે છે, મુંબઈમાં ગરીબ બાળકોના શિક્ષણ માટે ભંડોળ ઊભું કરવામાં મદદ કરે છે, લડાખમાં આભ ફાટતાં અસરગ્રસ્તોને સહાય પણ કરી છે. આજ સુધી તેણે મેન્ગલોર, ગોવા, ખારડુંદરા, મનાલી સહિત લોકપ્રિય રાઈડિંગનાં સ્થળોનો હજારો કિલોમીટરનો બાઈક પ્રવાસ કર્યો છે. ઉપરાંત ગોવામાં રાઈડર મેનિયા જેવી રોયલ એનફિલ્ડની રાઈડિંગ ઈવેન્ટ્સમા પણ ભાગ લે છે.
મુંબઈ- પટ્ટાયા રાઈડનું સપનું
વિનોદ કહે છે, ઈશ્વર મંજૂરી આપે તો એક દિવસ મુંબઈ – પટ્ટાયાની આંતરરાષ્ટ્રીય રાઈડ કરવાની ઈચ્છા છે. બાળપણમાં અકસ્માતમાં પગ ગુમાવ્યો હતો, જે પછી જીવન અત્યંત મુશ્કેલ બન્યું હતું, પરંતુ મારા રાઈડર ફ્રેન્ડ્સને આભારી આ શોખે મારું જીવન બદલી નાખ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.