ગુનો રોકવામાં મદદ થશે:ભાયંદર અને લોકમાન્ય તિલક ટર્મિનસે રેલવે પોલીસ સ્ટેશન

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આસનગાવ અને બદલાપુર પણ શામીલ

ઉપનગરીય લોકલના ત્રણેય માર્ગ પર આસનગાવ, બદલાપુર, ભાઈંદર અને લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતે નવા રેલવે પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે. નવા પોલીસ સ્ટેશનના કારણે ગુના રોકવામાં મદદ થશે અને કોઈ ફરિયાદ મળતા ઝટ કાર્યવાહી કરી શકાશે. લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. રેલવે સુરક્ષા દળ (આરપીએફ) સાથે રેલવે પોલીસ પણ કામ કરે છે. લોકલના ત્રણેય માર્ગ પર મળીને હાલ 17 પોલીસ સ્ટેશન છે અને એમાં 3760 પોલીસ અને અધિકારીઓ કામ કરે છે.

પણ અત્યારની પરિસ્થિતિમાં નવા પોલીસ સ્ટેશન શરૂ કરવા જરૂરી છે. નવા પોલીસ સ્ટેશન બાબતે તાજેતરમાં રેલવે પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક થઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર મધ્ય રેલવેમાં આસનગાવ, બદલાપુર, લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતે તથા પશ્ચિમ રેલવેમાં ભાયંદરમાં નવા રેલવે પોલીસ સ્ટેશન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મધ્ય રેલવેના કલ્યાણ જંકશન પર મોટા ભાગની એક્સપ્રેસ અને લોકલ ઊભી રહે છે. શહાડ, આંબિવલી, ટિટવાલા, વાશિંદ, આસનગાવ, ખર્ડી ખાતે મોટી સંખ્યામાં લોકો રહે છે.

ત્યાંથી દરરોજ મુંબઈ આવનારા નોકરિયાતોની સંખ્યા પણ મોટી છે. તેથી શહાડથી ખર્ડી વચ્ચે કોઈ ઘટના બને તો ફરિયાદીએ ફરિયાદ નોંધાવવા કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનમાં જવું પડે છે. ઉલ્હાસનગર, અંબરનાથ, નેરલ, ભિવપુરી રોડ ખાતે પણ મોટા પ્રમાણમાં નાગરિકો રહે છે. એટલે આ સ્ટેશન દરમિયાન કોઈ ઘટના બને તો બદલાપુર ખાતે નવું રેલવે પોલીસ સ્ટેશન શરૂ થતા એનો ફાયદો થશે.

કોકણ રેલવેમાં 3 નવા પોલીસ સ્ટેશનનો વિચાર
કોકણ રેલવેના પુડાળ, કણકવલી, રત્નાગિરી અને રોહા ખાતે નવા પોલીસ સ્ટેશન શરૂ કરવાનો મુંબઈ રેલવે પોલીસનો વિચાર છે. કોકણ રેલવેમાં આરપીએફના જવાન પેટ્રોલિંગ કરે છે. કોકણ જતા રૂટ પર કોઈ ઘટના બને તો પનવેલ રેલવે પોલીસ સ્ટેશનમાં જવું પડે છે. તેથી કણકવલી, રત્નાગિરી અને રોહામાં રેલવે પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે તો એનો પ્રવાસીઓને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...