ભંડારા અને ગોંદિયામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસે ભાજપનો સાથ લઈને સત્તા હાંસલ કર્યા પછી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી વચ્ચે વિવાદ વકર્યો છે. કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે છેલ્લા કેટલાક દિવસથી રાષ્ટ્રવાદી પર ગંભીર આરોપ કરી રહ્યા છે. હવે તેમણે સીધા જ હાઈ કમાન્ડ સોનિયા ગાંધીને પણ રાષ્ટ્રવાદીની નીતિ અંગે ફરિયાદ કરી છે. બીજી બાજુ રાષ્ટ્રવાદીના નેતા અજિત પવારે અમે તેને મહત્ત્વ આપતા નથી એમ કહીને કોંગ્રેસને ફરી એક વાર ટાળી છે.આ વિવાદને લઈને કોંગ્રેસ સરકારમાંથી બહાર નીકળવાના માર્ગે છે કે કેમ એવું પુછાતાં પટોલેએ જણાવ્યું કે આગામી થોડા દિવસમાં તમને પરિણામ જોવા મળશે.
અમે સત્તામાં રહેવા માટે સરકારમાં નથી.ભંડારા અને ગોંદિયા જિલ્લા પરિષદના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં રાષ્ટ્રવાદીએ ભાજપને મદદ કરવાને મુદ્દે વિવાદ શરૂ થયો છે. અઢી વર્ષ પૂર્વે સરકાર સ્થાપન કરતી વખતે બનાવવામાં આવેલા નિયમોનું રાષ્ટ્રવાદીએ ઉલ્લંઘન કર્યું છે એમ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું.આ સાથે તેમણે હાઈ કમાન્ડને ફરિયાદ કરી છે. આ વિશે અજિત પવારે સોમવારે કરાડમાં જણાવ્યું હતુંકે નાના પટોલેએ તેમના પક્ષના નેતાને શું કહેવું જોઈએ તે તેમનો અધિકાર છે. અમે તેને બહુ મહત્ત્વ આપતા નથી.
અમારા પક્ષમાં પણ કશું થયું તો અમે શરદ પવાર અને મુખ્ય મંત્રી પાસે ફરિયાદ કરીએ છીએ. આપણા દેશમાં 24 પક્ષ સાથેની એનડીએ સરકાર જોઈ છે. વાસણ સાથે વાસણ અથડાતાં જ હોય છે. એક કુટુંબમાં વાસણ સાથે વાસણ અથડાય છે તો ત્રણ પક્ષના કુટુંબમાં વાસણ સાથે વાસણ અથડાવાના જ છે. આવું નહીં થાય તે માટે ત્રણેય પક્ષના નેતાઓએ પ્રયાસ કરવા જોઈએ. સરકાર બરોબર ચાલવી જોઈએ, એમ પવારે જણાવ્યું હતું.
પટોલેનો ઈશારો
અઢી વર્ષ પૂર્વે જે મુદ્દાઓ પર સરકાર બની હતી તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આથી અમારા નેતા સોનિયા ગાંધીનું અપમાન થઈ રહ્યું છે, જે અમે સહન નહીં કરીએ. પક્ષ શ્રેષ્ઠી પાસે રાષ્ટ્રવાદીની ભૂમિકાની અમે ફરિયાદ કરી છે. પક્ષ શ્રેષ્ઠી તેની પર ટૂંક સમયમાં જ નિર્ણય સંભળાવશે. આગામી થોડા દિવસોમાં તેનાં પરિણામ દેખાશે. અમે સત્તામાં રહેવા માટે સરકારમાં નથી, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.