ભાસ્કર વિશેષ:બેસ્ટના 200 બસસ્ટોપની કાયાપલટ કરી આધુનિક બનાવાશે

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણનું સંતુલન જાળવીને બનેલા દક્ષિણ મુંબઈના નવા બસસ્ટોપને સરસ પ્રતિસાદ મળી રહ્યો છે

આધુનિક પદ્ધતિનું બાંધકામ અને પર્યાવરણનું સંતુલન જાળવીને દક્ષિણ મુંબઈમાં બાંધવામાં આવેલા બેસ્ટના બસસ્ટોપને સરસ પ્રતિસાદ મળી રહ્યો હોવાથી મહાપાલિકા શહેર સહિત પૂર્વ અને પશ્ચિમના ઉપનગરોમાં 200 બસસ્ટોપની કાયાપલટ કરશે. આકર્ષક રચના, પારદર્શક કાચ, બેસવાની સરસ વ્યવસ્થા અને લીલોતરીવાળા બસસ્ટોપ બાંધવામાં આવશે. મહાપાલિકાના નિયોજન વિભાગ તરફથી આ કામ કરવામાં આવશે જેના માટે ટેંડર મગાવવામાં આવ્યા છે. આ કામ માટે 17 કરોડ 50 લાખ રૂપિયાનો ખર્ચ થશે.

દક્ષિણ મુંબઈના હેરિટેજ સ્વરૂપને ધ્યાનમાં રાખીને મહાપાલિકાએ રીગલ થિયેટર, છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમ, મુંબઈ યુનિવર્સિટી, શ્યામાપ્રસાદ મુખરજી ચોક ખાતે ફૂટપાથનું સુશોભીકરણ તાજેતરમાં પૂરું કર્યું. એના અંતર્ગત મહાપાલિકાએ ફૂટપાથ પરના બસસ્ટોપને પણ આકર્ષક રૂપ આપ્યુ છે.

કુલ 11માંથી 9 બસસ્ટોપને પારદર્શક કાચ લગાડવામાં આવ્યા છે. મહાલક્ષ્મી ખાતેના ફેમસ સ્ટુડિયો ભાગમાં પણ એક બસસ્ટોપનું નૂતનીકરણ કરવામાં આવ્યું છે. આવા જ આકર્ષક બસસ્ટોપ આગામી સમયમાં શહેર સહિત પૂર્વ અને પશ્ચિમના ઉપનગરોમાં જોવા મળશે. પ્રથમ તબક્કામાં પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં 105 બસસ્ટોપની પસંદગી કરવામાં આવી છે.

બીજા તબક્કામાં વધુ 100 બસસ્ટોપની કાયાપલટ કરવામાં આવશે. પારદર્શક કાચ, ઉતમ સીટીંગ વ્યવસ્થા સાથે બસસ્ટોપની છત પર આકર્ષક લીલોતરી ઉગાડવામાં આવશે. એમાંથી પર્યાવરણના રક્ષણનો સંદેશ મુંબઈગરાઓને મળશે એવો વિશ્વાસ મહાપાલિકાના અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.

લાકડાથી અત્યાધુનિક બસસ્ટોપનું રૂપ
લાલ, પીળા અને સફેદ રંગથી રંગેલા લાકડાના બસસ્ટોપ, ભરતડકામાં ઊભા રહેતા પ્રવાસીઓ, બસના રૂટ નંબરનું પાટિયુ, લોખંડ અને સ્ટીલના આધુનિક બસસ્ટોપ બાદ હવે પારદર્શક કાચના અત્યાધુનિક બસસ્ટોપ એમ મુંબઈમાં બેસ્ટની બસના બસસ્ટોપનું સ્વરૂપ બદલાતું રહ્યું છે.

અતિક્રમણ બંધ થશે ?
મુંબઈના વિવિધ ભાગના બસસ્ટોપ પર ગર્દુલ્લાઓ, ભીખારીઓ, બેઘર લોકો, દારૂડિયા, જુગારીઓ મોટા પ્રમાણમાં અડ્ડો જમાવે છે. અનેક કુટુંબ બસસ્ટોપને આશ્રયસ્થાન બનાવીને રહે છે. બસસ્ટોપ પર કપડા સૂકવા છે, થેલીઓ લટકાવે છે અને નાના બાળકો માટે ઘોડિયા બાંધે છે. બસસ્ટોપની કાયાપલટ કર્યા પછી આ બધું બંધ થશે કે એવો સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે.

પ્રથમ તબક્કામાં કયા બસસ્ટોપ?
પ્રથમ તબક્કામાં ઓશિવરા ખાતે 15, ગોવંડી 13, દેવનાર 11 અને ગોરેગાવ ખાતે 10 બસસ્ટોપ બદલવામાં આવશે. બીજા ઠેકાણાઓમાં કુર્લા, વિદ્યાવિહાર, ઘાટકોપર, વિક્રોલી, મુલુંડ, સાંતાક્રુઝ, માગાઠાણે, બાન્દરા, ગોરાઈ, પોઈસર, મલાડ, માલવણી ખાતેના બસસ્ટોપ બદલામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...